તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સાવલી પાલિકાના વિરોધપક્ષના સદસ્યોએ રોડ પરના ગાબડાં પૂર્યા

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી નગર પાલિકાના વિવિધ રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓ પ્રજાની હાલાકી દૂર કરવા માટે કોંગી નગરસેવકો પુરીને અનોખો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડે છે. - Divya Bhaskar
સાવલી નગર પાલિકાના વિવિધ રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓ પ્રજાની હાલાકી દૂર કરવા માટે કોંગી નગરસેવકો પુરીને અનોખો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડે છે.
  • વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર તરફી કૂણું વલણ દાખવવાના આક્ષેપ

સાવલી નગરમાં પાલિકા દ્વારા કરાયેલા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર તરફી કૂણું વલણ દાખવવાના આક્ષેપ સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ વિવિધ પ્રશ્નોની અને સમસ્યાના નિરાકરણ માટે અને વિવિધ મુદ્દાઓની માહિતી ની લેખિત અરજી જિલ્લા કલેકટર તેમજ અન્ય સંબંધિત વિભાગને કરીને દિન 15માં યોગ્ય કાર્યવાહી ન થાય તો કાયદેસર કાર્યવાહી કરવાની લેખિત ચીમકી ઉચ્ચારતાં ચકચાર મચી જવા પામી છે. અને વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યોએ આશ્ચર્યજનક રીતે પાલિકાએ બનાવેલા રોડમાં પડેલા ગાબડાં સ્વખર્ચે પુરાવીને અનોખી ગાંધીગીરી રજૂ કરી છે.

સાવલી નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત બોર્ડ છે પાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટો થકી કરાયેલા વિકાસના કામોમાં વિરોધ પક્ષ તેમજ નગરજનો દ્વારા ભ્રષ્ટાચારના અને હલકી ગુણવત્તાનું મટીરીયલ ના આક્ષેપો સમયાંતરે થતાં આવ્યા છે. તેવામાં સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર પ્રાંત ઓફિસર તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વિભાગને લેખિતમાં અરજી કરી દાદ માગી છે કે નગરજનોને કેટલીક ગંભીર સમસ્યાઓને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

જેમાં મુખ્યત્વે સાવલી નગરના વિવિધ વિસ્તારોમાં ત્રણ વર્ષ અગાઉ રસ્તાની કામગીરી કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે કરાર કરેલ છે કે ત્રણ વર્ષ સુધી કોઇપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર જ્યાં જરૂર પડે ત્યાં રસ્તાની મરામત ની જવાબદારી ઇજારદારની રહેશે. પરંતુ આજ દિન સુધી રોડ રસ્તાની ઇજારદાર દ્વારા મરામત કરવામાં આવેલ નથી જેથી ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે સરકાર તરફથી નગરના યુવાનો માટે અને તાલુકાના યુવાનો માટે શરીર સૌષ્ઠવ માટે કસરતના સાધનો આપેલ હતા તે ક્યાં છે તેની તપાસ કરવાની પણ માંગ કરી છે.

નગરમાં વસતા ગરીબી રેખા નીચે આવતા નગરજનોને મળવાપાત્ર લાભો મળતા નથી કારણકે નગર સેવા સદન પાસે તેની કોઈ યાદી નથી જેથી તાત્કાલિક બીપીએલ યાદી તૈયાર કરવાની માંગ કરી છે. વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતું કે 70 વર્ષ સુધી કોંગ્રેસે પાડેલા ગાબડા પુરી રહ્યા છે તેના જવાબમાં શનિવારે કોંગી કાર્યકરોએ તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ સ્વખર્ચે નગરના વિવિધ માર્ગો પર પડેલા ખાડાઓ પૂરીને ભાજપની તેમજ જનતાની આંખો ખોલવાનો અનોખો પ્રયાસ કર્યો છે. આ બાબતે વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભાજપના બોલ વચનોથી પ્રજા થાકી ગઈ છે અને સત્તાધીશોની આંખો ખોલવા તેમજ પાલિકાએ કરવાના કામો હવે પ્રજાએ કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...