કોરોના બેકાબૂ:સાવલી તાલુકામાં કોરોના 500ને પાર, સાચા આંકડા છુપાવતું આરોગ્ય વિભાગ

સાવલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી 16થી વધુના મોત, 150થી વધુ દર્દીઓ એક્ટિવ
  • દુકાનો પર થતી ભીડભાડ જ કોરોનાની ચેનને ફેલાવી રહી છે

કોરોના મહામારીએ સાવલી તાલુકામાં પોતાનો ભરડો વધુ મજબૂત કર્યો છે અને ઠેર ઠેર કોરોના દર્દીઓ નોંધાવા પામ્યા છે. હાલની સ્થિતિમાં સાવલી તાલુકામાં 500થી વધુ કોરોના દર્દીઓ નોંધાવા પામ્યા છે. જેમાં ૧૫૦થી વધુ દર્દીઓ એક્ટિવ છે જ્યારે 16થી વધુ લોકોના કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે આરોગ્ય વિભાગ પાસે માહિતી માંગતાં આરોગ્ય વિભાગ માહિતી છુપાવતું જોવા મળી રહ્યું છે.

હાલ તાલુકામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે તાલુકા જનો પણ સાવધાની વર્તે તે ખૂબ જ જરૂરી થઇ પડ્યું છે. તાલુકાની અને ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં લોકો ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. તો સોશિયલ ડિસ્ટન્સનો પણ અમલ કરતા નથી.

પરિણામે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તાલુકાનું તંત્ર સક્રિય બને અને વધુ તાલુકાજનો આ જીવલેણ બીમારીનો ભોગ ન બને તે માટે કાર્યરત થાય તે જરૂરી બન્યું છે. હાલ ઠેર ઠેર લોકો ટોળે વળીને ગપ્પા મારતા જોવા મળી રહ્યાં છે અને કોણ પોઝિટિવ અને કોણ નેગેટિવ તે ઓળખવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે અને પ્રજામાં જાગૃતિ આવે તે માટે નક્કર પગલા લે તે આવશ્યક છે. જો લોકો પણ સજાગ નહીં રહે તો એક દિવસ એવો આવશે કે આ મહામારીને કાબૂમાં લેવી બહુ મુશ્કેલ થઈ જશે. દુકાનો પર થતી ભીડભાડ જ કોરોનાની ચેનને ફેલાવી રહી છે ત્યારે આ ચેન તૂટે તે જરૂરી થઇ પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...