સાવલી તાલુકાના ભાદરવા ગામે મુસ્લિમ પરિવાર દ્વારા પોતાના પુત્રના લગ્નમાં હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે કંકોત્રી છાપીને તમામ પ્રકારની હિન્દુ વિધી થી લગ્ન પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવતા સમગ્ર તાલુકામાં મુસ્લિમ પરિવારની કોમી એકતાની અને રામ રહીમ તેહજીબની ચારેકોર ચર્ચા થતી જોવા મળી રહી છે.
સાવલી તાલુકાના ભાદરવા ગામે રહેતા રાજુભાઇ મુરાદભાઈ મકરાણીના પુત્ર મખદૂમભાઈના લગ્ન બાસ્કા ગામની નિવાસી આયશાબેન સાથે નક્કી કરવામાં આવેલ છે. ચુસ્ત મુસ્લિમ પરિવાર એવા મકરાણી પરિવારમાં પુત્રના લગ્નની તારીખ 23 મેને સોમવારના રોજ બાસ્કા મુકામે મકરાણી પરિવારના પુત્રની જાન જવાની છે. તેમાં પોતાના સ્નેહીજનો અને સગા-સંબંધીઓને નિમંત્રક કાર્ડ આપવામાં આવ્યા છે. તેમાં જયશ્રી બળીયાદેવ બાપા, શ્રી ગણેશાય નમઃ, જય શ્રી મેલડી માં અને જય શ્રી ભાથીજી દાદાના આશીર્વાદથી આં કંકોત્રી ચાલુ થાય છે.
ટિપિકલ હિન્દુ સમાજમાં છપાતી કંકોત્રીનું વિતરણ પોતાના સગા સંબંધીઓમાં કર્યું છે. સાથે સાથે શનિવારે પીઠી (જલ્દી)ના પ્રસંગ નિમિત્તે સમી પૂજનથી માંડીને તમામ વિધિઓ હિન્દુ શાસ્ત્ર મુજબ કરવામાં આવી છે. અને તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી છે.
અમે હિન્દુ પરિવાર સાથે રહીને ઉછર્યા છે
અમે વર્ષો હિન્દુ પરિવાર સાથે રહીને ઉછર્યા છે અને અમારા દરેક સારા નરસા પ્રસંગોમાં હિન્દુ પરિવારો સાથે તાલમેલ હોઇ પપ્પાની ઈચ્છા મુજબ મારા લગ્ન હિન્દુ વિધિ અનુસાર થાય છે. આ વિધિથી લગ્ન કરવાથી હું ખુબજ ખુશ છું અને પરિવાર પણ ખુશ છે. > મખદુમભાઈ મકરાણી, વરરાજા
હું માત્ર નિકાહ જ મુસ્લિમ વિધિ અનુસાર કરવાનો છું
હું માત્ર ઇન્સાન છું. ના હિન્દુ કે મુસ્લિમ છું અને મારો ઉછેર હિન્દુ વસ્તી વચ્ચે થયો છે. જેથી મારા પુત્રના લગ્નના કાર્ડ જો મુસ્લિમ વિધિ અનુસાર છાપાવુ તો મારા હિન્દુ ભાઈઓને લગ્નની તિથિ અને સમયમાં ચાંદ વાર લખું જે સમજમાં ના આવેતો હિન્દુ ભાઈઓ મારા પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે ના આવી શકે. તેથી મેં મારા પુત્રના આમંત્રણ પત્રિકા હિન્દુ વિધિ અનુસાર છપાવી છે. અને ઈશ્વર અલ્લાહ એક છે. મારા પુત્રના લગ્ન પ્રસંગમાં તમામ વિધિ હિન્દુ શાસ્ત્ર અનુસાર કરવામાં આવનાર છે. માત્ર નિકાહ ખ્વાની શરિયત કાનૂન પ્રમાણે કરવું પડે એટલે હું માત્ર નીકાહ જ મુસ્લિમ વિધિ અનુસાર કરવાનો છું. > રાજુભાઈ મકરાણી, વરરાજાના પિતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.