કાર્યવાહી:દારૂની 43512 બોટલ પકડાતા 2 મહિલા સહિત 4 સામે ગુનો દાખલ

સાવલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજુસરની પ્રાઈમ ઇન્ડ. એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી દારૂ પકડાયો હતો
  • 4 પૈકી એકને પોલીસે ઝડપી પાડીને જેલ ભેગો કર્યો, બે એક્ટિવા મળી કુલ 55.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 43512 અને એક બાઈક અને બે એક્ટીવા મળી કુલ રૂપિયા 55,96,800નો મુદ્દામાલ કબજે કરીને ભાદરવા પોલીસે બે મહિલા મળી કુલ ચાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં એકને પોલીસે ઝડપી પાડીને જેલ ભેગો કર્યો છે. સાવલી તાલુકામાં અને ખાસ કરીને ભાદરવા પોલીસ મથકની હદમાં વિદેશી દારૂનું કટિંગ થવું થતો હોવાની માહિતીના આધારે ભાદરવા પી.એસ.આઇ બી એન ગોહિલે પોતાના બાતમીદારોના આધારે મંજુસર ખાતે દરોડો પાડ્યો હતો.

મંજુસર પ્રાઈમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર A-3/1માં 13 ચુનંદા પોલીસ જવાનોની ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો. જેમાં આશ્ચર્યજનક રીતે ગોડાઉનના ઓફિસમાં બનાવેલ ભોંયરામાંથી અધધ કહી શકાય તેવો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને કોલ્ડ સ્ટોરેજ બનાવીને તેના મધ્યમાં પાણીના ટાંકામાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો સંગ્રહ કરતા હતા અને આ દરોડા દરમિયાન કુલ બોટલો ગણવામાં અને તેની કિંમત નક્કી કરવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

ભાદરવા પોલીસે આ પ્રકરણમાં 1 વર્ષાબેન લાલાભાઇ રમેશભાઈ માળી રહે. સોખડા, તાલુકો જિલ્લો વડોદરા, 2 વર્ષાબેન ના નંદોઈ જેના પુરા નામની ખબર નથી તે, 3 સુનિલ રામાભાઇ માળી રહે. સોખડા તાલુકો જિલ્લો વડોદરા, 4 મુકેશભાઈ પ્રભુભાઈ કચ્છી રહે. સોખડા તાલુકો જિલ્લો વડોદરાની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે મુકેશ પ્રભુભાઈ કચ્છી રહે. સોખડા તાલુકો જિલ્લો વડોદરાની ધરપકડ કરી છે.

પંથક વાસીઓમાં થતી ચર્ચા મુજબ આ જગ્યાએ ઘણા ટાઈમથી વિદેશી દારૂનું કટિંગ થતું હતું અને આ જગ્યાએ બે ઈસમની હત્યા થઇ હોવાની પણ ચર્ચા થતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને મહિલા આરોપી વર્ષાબેનના પતિ લાલાભાઇ અને તેના નાના ભાઈ અરવિંદ માળીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અને તે સમયે કરંટ લાગવાથી મોત થયું એવું પોતાના ગામમાં જાહેર કર્યું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે તે વેળાએ દારૂનો જથ્થો આ ગોડાઉનમાં ઉતાર્યો હતો તેને સગેવગે કરવાનું કામ મૃતકની પત્ની વર્ષાબેને ઉઠાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જેથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તે જરૂરી થઇ પડ્યું છે. જ્યારે સાવલી તાલુકામાં પ્રથમ વાર આટલા મોટા દારૂના જથ્થામાં મહિલા આરોપી તરીકેનું નામ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે આટલા વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાદરવા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...