હવામાન:સાવલી તા.માં 24 કલાકમાં 7 મિમી વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ

સાવલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી સાથે વરસાદ વરસ્યો હતો. - Divya Bhaskar
સાવલી તાલુકામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી સાથે વરસાદ વરસ્યો હતો.
  • ચોમાસુ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે વહેલી તકે કેનાલમાં પાણી છોડાય તેવી માગ

સાવલી તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર પ્રસરી ગઇ છે. જ્યારે ભારે બફારામાં આંશિક રાહત અનુભવાઈ હતી અને ચોમાસુ નિષ્ફળ જવાની ભીતી વચ્ચે વહેલી તકે કેનલમાં પાણી છોડાય તેવી માગ ઉઠી છે. ચાલુ સાલે સમગ્ર સીઝનનો 420 મિ મી જ વરસાદ નોંધવા પામ્યો છે.

સાવલી તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. આજે સવારના પહોરથી જ ભારે ગરમી અનુભવાતી હતી. સમગ્ર તલુકાજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને ભારે વાવાઝોડું ફુંકાયું હતું. ભારે કડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. સાવલી તાલુકામાં આમેય ચાલુ સાલે ઓછો વરસાદ નોંધાયો છે. સાવલી તાલુકામાં સમગ્ર સીઝનનો કુલ વરસાદ 413 મિમી નોંધાયો છે.

જ્યારે આજના 24 કલાકમાં 7 મિમી વરસાદ પડતા ટોટલ સીઝનનો 420 મિમી વરસાદ નોંધાવવા પામ્યો છે. ખેતીની દૃષ્ટિએ ચોમાસુ ફેલ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મોટાભાગના ખેડૂતો ડાંગર, કપાસ, તમાકુ, તુવેર જેવા પાકોની વાવણી કરવામાં મોડા પડ્યા છે. અથવા તો રહી ગયા છે. જેનું કારણ વરસાદ ઓછો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જે ખેડૂતોને કે કુવા દ્વારા સિંચાઈની વ્યવસ્થા છે તેવા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. તેવામાં ભાદરવા માસના આંકડા તાપમાન ખેડૂતો નદી નાળા ખાડાઓ અને ગટરોના પાણી મશીન વડે ખેંચીને વાવણી કરવામાં અને પોતે વાવેલા પાકને બચાવવા માટે ગડમથલ કરતા જોવા મળી રહ્યા છે. ચાલુ સાલે ચોમાસુ ફેલ જાય તેવી ભીતિના પગલે ખેડૂતો વરસ ભેગા થવા માટે વિવિધ પ્રયત્નોથી ખેતીની વાવણી કરવામાં જોડાયેલા છે.

જોકે આજે બપોરના સમયે માત્ર 4 મીમી જ વરસાદ નોંધાયો છે. તેવામાં સમગ્ર તાલુકાના ખેડૂતો એકી અવાજે નિયમિત થ્રી ફેઝ વીજળી અને વહેલી તકે કેનાલમાં પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે. જેથી કેનાલના પાણી વડે ખેડૂતો પોતાનો પાક બચાવી શકે.

અન્ય સમાચારો પણ છે...