સાવલી તાલુકામાં રવિ પાકની માવજત માટે ખેડૂતોના પાયાની જરૂરિયાત યુરિયા ખાતરની તંગી સર્જાતા તાલુકાના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અને ડેપો કેન્દ્રો પર યુરિયા લેવા માટે મસ મોટી લાઈનો જોવા મળી છે.
સાવલી તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાય છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ તાલુકામાં રવિ પાક જેવા કે ઘઉં, દિવેલા, ચણા, શાકભાજી સાથે સાથે કપાસ તમાકુ સહિતના પાકો વાવીને ખેડૂતો બેઠા છે. જેની માવજત માટે ખાતર અને પાણી મહત્વનું ઘટક છે. તાલુકામાં કેનાલોની દયનીય સ્થિતિના કારણે ખેડૂતોને પોતાના પાકની સિંચાઈ માટે દોડધામ કરવી પડે છે અને વધારાની મહેનત કરવી પડે છે. તેવામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી ગઈ છે.
સાથે સાથે ખાતરની અછતના કારણે ખેડૂતોની હાલત ભારે દયનીય થઈ ગઈ છે. હાલ ખાતરની ખરી જરૂર છે. ત્યારે ડેપો પરથી માંડ બે થેલી અને પાંચ થેલી મળી રહી છે. તે પણ લાઈનમાં ઉભી રહેવું પડે છે. તેના કારણે ખેડૂતોના સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે.
ઠંડીની સિઝનમાં યુરિયા ખાતર પાકમાં નાખવાથી ફાયદો થાય છે. પરંતુ સરકારની વિતરણની અવ્યવસ્થાને કારણે ગરીબ ધરતી પુત્રોને હેરાન થવાનો વારો આવે છે અને અઠવાડિયે સાવલી ખાતેના બે ડેપોમાં એક કે બે જ ગાડી આવતી હોવાથી ખેડૂતોને વગર ખાતરે વિલા મોઢે પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદના દાખવે અને ખાતરની છૂટ થાય તેવી માંગ ઉઠી છે અને કૃત્રિમ અછત તાત્કાલિક ધોરણે દૂર થાય તેવી માંગ ઉઠી છે. તાલુકાના શ્રીમંત અને મોટા ખેડૂતો પોતાને વર્ષ દરમિયાન જરૂર પડતા ખાતરનો સ્ટોક કરી લે છે.
પરંતુ નાના ખેડૂતો નાણાંની વ્યવસ્થા થાય તેમ પોતાના પાકમાં ખાતર નાખીને વર્ષ ભેગા થવાની ગણતરી કરી રહ્યા હોય છે. તેવામાં ખાતરની અછતે ખેડૂતોને પડતામાં પાટું માર્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સદર બાબતે જીએસએફસીના ડેપો ઇન્ચાર્જ રાહુલ ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે ઉપરથી સ્ટોક ઓછો આવે છે. પૂરતો સપ્લાય ન હોવાના કારણે ખેડૂતોને ધક્કો ન પડે તે માટે બે-બે, પાંચ-પાંચ થેલીઓ આપીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.