રજૂઆત:ભાદરવા ગામે નલ સે જલ યોજના અંતર્ગત થયેલી કામગીરી સામે ગ્રામજનોમાં અસંતોષ

સાવલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના બોર, અપૂરતા પ્રમાણમાં પાણીના પ્રેશર બાબતે તપાસ કરવા ભાદરવાના સરપંચની માગ
  • ભાદરવાના સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરાઈ

સાવલી તાલુકાના ભાદરવા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાણીના બોર તથા અપૂરતા પ્રમાણમાં પાણીના પ્રેશર બાબતમાં યોજનામાં વાસ્મો અને પાણી પુરવઠાની કામગીરી સામે સવાલો ઉભા કરી તેની તપાસની માંગ કરતો પત્ર ભાદરવા સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને પાઠવ્યો છે. સાવલી તાલુકાના ભાદરવા ગામના સરપંચ દ્વારા સરકારની યોજનામાં ચાલી રહેલી પોલ મ પોલ પર પ્રકાશ પાડતો પણ તપાસ કરવાની માગ કરતો પત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યો છે. તે મુજબ ભાદરવા ગામે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત હાલ કામગીરી ચાલું છે.

પાણી પુરવઠા વિભાગ, સાવલી અને વાસ્મો દ્વારા રૂા. 85.00 લાખની યોજના મંજુર કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ, સાવલી દ્વારા એક સંપ, બોર અને બોરથી સંપ સુધીની પાઇપ લાઇન મંજૂર કરાઈ છે. સંપ અને પાણીની પાઇપ લાઇન નાખી દીધી છે. પરંતુ પાણીનો બોરવેલ માત્ર 15ની મોટર મંજૂર કરી અને ગ્રામજનોની મજાક સમાન છે. 15ની પાણીની મોટર અને 3ની પાઇપ લાઇન નાખી 10,000ની વસ્તીને પાણી આપવાની વાત છે. જે શક્ય નથી. માત્ર કાગળ પર યોજના કરેલ હોય તેવુ ગ્રામજનો દ્વારા ચર્ચા કરવામાં આવેલ છે.

સરપંચ દ્વારા પત્રમાં કરાયેલા લેખિત આક્ષેપો મુજબ વાસ્મો દ્વારા 50,000 લિટર પાણીની ટાંકી બનાવેલ છે. જે 12 મીટરની ઊંચાઇ પર આવેલ છે. અને હાલ 1,50,000 લિટર પાણીની ટાંકીનુ કામ પ્રગતિમાં છે. પાણીની ટાંકીથી 200 મીટરના અંતર એ બે ઝોન પાડેલ છે. હજુ 800 થી 1000 મીટર અંતરના 9 ઝોન પાડવાના બાકી છે. આ અગાઉ વાસ્મોમાં પાણીના અપુરતા પ્રેશર માટે લેખીત રજૂઆત કરવામાં આવી છે. 1,50,000 લિટર પાણીની ટાંકીની ઊંચાઇ 15 મીટર કરવા માટે રજૂઆત કરવા છતાં પણ વાસ્મો દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

હમણાં ગત 16મીએ મુખ્યમંત્રી સાવલી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા જૂથ યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને ગયા છે. સાવલી તાલુકાને 100 ટકા નલ સે જલ તક યોજના અંતર્ગત જાહેર કરવામાં આવ્યો છે. અને સાવલી તાલુકાને 100 ટકા નળ કનેક્શન વાળો તાલુકો જાહેર કર્યો છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર હકીકત કંઈક જુદી જ છે. હાલમાં પણ તાલુકાના જે ગામો આ યોજનામાં આવરી લેવાયા છે. તેમાં પાણીની તંગી વર્તાઇ રહી છે.

ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કલેકટર તેમજ યુનિટ મેનેજર તેમજ નાયબ કાર્યપાલક અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને અલગ ટીમ મોકલી જાતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી છે. આ બાબતે વાસ્મોના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ભરતભાઈ વિરડીયા આ યોજના બાબતે અને સો ટકા નળ કનેક્શન બાબતે પૂછતાં મારા આસિસ્ટન્ટ કોર્ડીનેટર ફારૂકભાઈને પૂછો. આ બધું તેઓ જુએ છે. તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

સાવલી તાલુકાને 100% નળ કનેક્શન વાળો જાહેર કર્યો પરંતુ ભાદરવામાં જ 250થી 300 નળ વગરના ઘર છે
સરકારની યોજના પ્રજાલક્ષી હોઈ શકે છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફાઈ રહી છે. સાથે સાથે સાવલી તાલુકામાં કોઈ તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરાવાય તો આ યોજનામાં ભારે હયગય થઈ હોય તેવું પ્રથમ નજરે જણાઈ રહ્યું છે. જ્યારે મુખ્યમંત્રીએ ભલે વડોદરા જિલ્લા અને સાવલી તાલુકાને 100 ટકા નળ કનેકશન વાળો જાહેર કર્યો હોય પરંતુ મારા ભાદરવા ગામમાં જ અઢીસોથી ત્રણસો નળ વગરના ઘર છે. તો તાલુકામાં કેટલા હશે? -મહેન્દ્રસિંહ રાણા, સરપંચ, ભાદરવા

અન્ય સમાચારો પણ છે...