સાવલી તાલુકાના મંજુસર ગામે હેર કટિંગ કરાવવા ગયેલા 4 યુવકો પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા મુદ્દે જીવલેણ હુમલો કરતા ભાદરવા પોલીસે કુલ 13 ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મિહિરભાઈ દીપસિંહ મહિડા રહે. ટુંડાવ, તા. સાવલીની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ સાંજના સમયે સંતોષ હેર કટિંગ નામની દુકાન પર વાળ કપાવવા ગયા હતા. ત્યારે મંજુસરનો હિતેશ સોલંકી હાજર હતો અને તે સમયે બીજા યુવકો ભેગા થઇ ગયા હતા.
તેઓના હાથમાં ચાકુ, પાઇપ, ટોમી જેવા મારક હથિયારો સાથે આવ્યા હતા અને કહેવા લાગેલ કે તે કેમ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. તેમ કહીને જ્ઞાતિ વિરુદ્ધ ગાળો બોલીને હુમલો કર્યો હતો. જેમાં હુસેન સુરસિંહ ચૌહાણ અને અમન જીતસિંહ ચૌહાણ બંને રહે. ટુંડાવને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે જાવેદ જીતસિહ ચૌહાણ વચ્ચે છોડવા પડતા તેની પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. પરંતુ તે ખસી જતા તેને સામાન્ય ઈજા બરડાના ભાગે થઈ હતી.
બનાવના પગલે ઇજાગ્રસ્તોને સાવલી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવના પગલે ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવના પ્રત્યાઘાત ન પડે તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે ફરિયાદીની ફરિયાદના આધારે હિતેશ સોલંકી, જીગર મકવાણા, સાગર સોલંકી, પીનલ દિનેશ સોલંકી, સાગરની ઈન્સ્ટાગ્રામ આઈડી તેમજ અન્ય 3 મોબાઇલ વાહકો અને અન્ય 5 ઈસમો મળી કુલ 13 યુવકો તમામ રહે. મંજુસર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.