તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજની ચોરી:સાવલીના પોઈચા-કનોડા નજીક મહી નદીમાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર ખનન મુદ્દે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. - Divya Bhaskar
ગેરકાયદેસર ખનન મુદ્દે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું.
  • નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થતી હોવાથી કાર્યવાહી
  • ન્યાયિક કામગીરી નહિ થાય તો આત્મવિલોપનની ચીમકી: બરોડા ડેરી ડિરેક્ટર

સાવલી તાલુકાના પોઈચા-કનોડા ગામે આવેલી મહીસાગર નદીના પટમાં રેતી ખનન મુદ્દે ખાણ-ખનીજ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ થયેલી કામગીરી બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા ભીનું સંકેલવાનો આક્ષેપ લગાવીને બરોડા ડેરીના ડિરેક્ટરે ન્યાયિક કામગીરી નહિ કરાય તો આગામી 30મીએ પંચાયત ભવન ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહીસાગર નદીમાં વિવિધ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થઈ રહી છે. સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક તથા વીડિયો મોકલીને આજુબાજુના જાગૃત નાગરિકો જાણ કરે છે તેમ છતાંય ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. તેવામાં બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને 5 જેટલા જેસીબી અને હિટાચી મશીન સીઝ કરવાની કામગીરી ધરાઇ હતી.

મંગળવારે ખાણ ખનીજ અધિકારી સાવલી પ્રાંત ઓફિસર સાવલી મામલતદાર તેમજ પોલીસ ટીમ સાથે નદીના પટમાં ગેરકાયદે ખનનનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું. આ વેળાએ પોઈચા કનોડા ગામના મહિલા સરપંચના પતિ તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહ વાઘેલા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને 2018માં મહીસાગર નદીના પટમાં આવેલ ખરાબામાં 23 હજાર મેટ્રિક ટન રેતીનો સંગ્રહ કરવાનું અને નદીના પટમાંથી 50 હજાર મેટ્રિક ટન રેતીનું વધારાનું કામ કરવાના પ્રકરણમાં 11 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તેની શું કાર્યવાહી થઈ છે અને શું શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે તે બાબતે પૂછતાં અધિકારીઓ અને સરપંચ પતિ વચ્ચે ભારે ચકમક ઝરી હતી. જેમાં અધિકારીઓ એક તરફી અને રાજકીય દબાણને વશ થઈને કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ 5 હિટાચી મશીન ગેરકાયદે ખનન કરતા કબજે કરીને મેસેજ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સદર બાબત પોઇચાના સરપંચ દ્વારા અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ કરાચો હતો.જ્યારે બીજી બાજુ ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતનો ગ્રામજનોને જવાબ આપ્યા વગર હાલ નદીના પટમાં સર્ચ ઓપરેશન કરીને ગેરકાયદે ખનનની માહિતી એકત્ર કરવામાં જોડાયા હતા. આમ ખાણ ખનીજ વિભાગની રેડના પગલે તાલુકાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

તાલુકામાં રોજ સેકડો ટ્રેક્ટરો બિંદાસ પણે ખુલ્લેઆમ તાલુકાના માર્ગો પર ફરે છે. તાલુકાના પોઇચા, કાનોડા, લહેરીપુરા, અમરાપુરા, વિટોજ, દીપાપુરા, ગુતરડી, છાલીએર, લાંછનપુરા જેવા ગામોમાં 24 કલાક ગેરકાયદે રીતે રેતી ખનન થાય છે અને દરરોજ સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા તાલુકાજનોમાં આક્રોશ ફેલાયો છે.

કર્મીઓ રાજકીય દબાણમાં કામગીરી કરતા હોવાના બરોડા ડેરીના ડિરેક્ટરનો આક્ષેપ
બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહ વાઘેલાએ અધિકારીઓ પર સીધો આક્ષેપ કરીને રાજકીય દબાણવશ કામગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં ખનીજ ચોરી થતી વેળાએ તેઓએ અધિકારીઓને ફોન કરીને તેમજ વીડિયો મોકલી સેંકડો વાર જાણ કરી હોવા છતાંય ચકલું ય ફરક્યું નથી તેવો આક્ષેપ કર્યો હતો. 2018માં થયેલ કામગીરીની વિગતો નહીં આપે અને તટસ્થ કામગીરી નહીં કરાય તો આગામી 30મીએ ગ્રામ પંચાયત ભવન ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...