તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સ્વામીજી સાવલીવાળાની પુણ્યતિથિની ભીમનાથ મંદિરે ઉજવણી

સાવલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીવાળા સ્વામીજીનાની પુણ્યતિથિ ઉજવણી કરાઈ હતી. - Divya Bhaskar
સાવલીવાળા સ્વામીજીનાની પુણ્યતિથિ ઉજવણી કરાઈ હતી.
  • સમાધિ મંદિર સમક્ષ વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરાયું

શ્રાવણ માસનો અંતિમ દિવસ, સોમવાર અને સંત શિરોમણી સ્વામીજી સાવલીવાળાની 30મી પુણ્યતિથિના ત્રિવેણી સંગમ સમા ભક્તિ પર્વની ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા સભર અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

‘સત્ય સંકલ્પનો દાતા ભગવાન’ અને ‘સુખ ચાહો તો સુખ દો’ જેવી ઉકતીથી વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી સ્વામીજી સાવલીવાળાની 30મી પુણ્યતિથિની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત ગઈકાલે સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે વહેલી સવારે નવચંડી યાગથી પ્રારંભવામાં આવી હતી. સાંજના 4:00 કલાકે શ્રીફળ હોમ્યા બાદ ભક્તજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

સોમવારે આ ત્રિવેણી સંગમ સમા ભક્તિ પર્વની ઉજવણી માટે ભીમનાથ મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને રંગબેરંગી લાઈટના ડેકોરેશનથી અદભુત રીતે શણગારવામાં આવ્યું હતું. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ અને સ્વામીજીની બેઠકને વિવિધ ફૂલો અને હારથી શણગારવામાં આવ્યા હતા.

પ્રાતઃ કાળે દીપ પ્રાગટ્ય બાદ શિવાલયના ગર્ભગૃહ સમક્ષ આવેલી સંગીત પ્રચારીણી સભાના વિશાળ રંગમંચ પરથી ઓમ નમઃ શિવાય ની ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક લોક કલાકારો દ્વારા સતત બાર કલાક સુધી અખંડ ધૂનનું પારાયણ કરવામાં આવ્યું હતું. સ્વામીજી અને ગેબીનાથદાદાની સમાધી સમક્ષ વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યાગ આયોજીત કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ સમાધિ મંદિર અને શિવાલયના ગર્ભગૃહના દર્શન તથા સ્વામીજીના શુભ આશિષ મેળવવા દેશ, વિદેશ અને સમગ્ર સાવલી પંથકના તમામ સ્વામી ભક્તો ઉમટી પડ્યા હતા.

ઉપસ્થિત સર્વે સ્વામી ભક્તજનોએ અને સાવલી પંથકના તમામ લોકોએ આ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી મહા પ્રસાદનો લાભ લઇ તથા તમામ ધાર્મિક કાર્યક્રમોને શ્રદ્ધાપૂર્વક માણી અને આ ત્રિવેણી સંગમ ભક્તિ પર્વની પૂર્ણાહુતી જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...