ભાસ્કર વિશેષ:ભાદરવાની પોસ્ટ ઓફિસ સલામત સ્થળે ખસેડવા માગ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાદરવા પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત હાલતમાં છે. - Divya Bhaskar
ભાદરવા પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત હાલતમાં છે.
  • પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થતાં અકસ્માત સર્જાવાની સેવાતી ભીતિ
  • આજુબાજુના આશરે 15થી વધુ ગામોની વચ્ચે આ પોસ્ટ ઓફિસ કાર્યરત છે

સાવલી તાલુકાના ભાદરવા ગામે પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત છતાં સમગ્ર વિસ્તારના પંથકવાસીઓ નવીન મકાન બને અથવા સલામત સ્થળે ખસેડાય તેવી માંગ પ્રબળ બની છે. સાવલી તાલુકાના ભાદરવા ગામે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ કાર્યરત છે. આજુબાજુની 7 બ્રાંચો આ પોસ્ટ સાથે સંલગ્ન છે અને આજુબાજુના આશરે 15થી વધુ ગામોની વચ્ચે આ પોસ્ટ આવેલી છે. આ પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયતના મકાનમાં વર્ષોથી ભાડેથી ચાલે છે અને તેમાં ઓનલાઈન સિસ્ટમ તથા ખાતા, વિવિધ લોકોની એફડી, ધિરાણો, ડિપોઝિટ, વિધવા પેન્શન, મનરેગા યોજનાની મજૂરીની ચુકવણી, આધાર કાર્ડથી પૈસાની ચુકવણી, મની ઓર્ડર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

તેવામાં પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત થઈ જતા અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ છે. આં ઓફિસ ગ્રામ પંચાયતના મકાનમાં વર્ષોથી ભાડેથી ચાલે છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય પોસ્ટ વિભાગ દ્વારા અન્ય સ્થળે પોસ્ટ ખસેડવામાં ધાંધિયા કરી રહ્યા છે. તેના પગલે સમગ્ર પંથકમાં તેમજ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

જાણવા મળ્યા પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા યોજનામાં નવીન પંચાયતના મકાન બાંધવાની પરમિશન પણ મળી છે. અને આ જૂના મકાનને ડિમોલેશન કરવા માટે પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આ પોસ્ટના મકાનની છતનો સ્લેબ ભારે જર્જરીત થઈ ગયો છે અને મસમોટા પોપડા ખરી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યા છે કે શું? તેવા વેધક સવાલો પંથકવાસીઓ કરી રહ્યા છે. માટે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વહેલી તકે પોસ્ટ સલામત સ્થળે ખસેડાય અને વહેલી તકે નવું મકાન બંધાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...