સાવલી તાલુકાના વિટોજ ગામના માજી સરપંચના પુત્ર દ્વારા ગણેશપુરા ગામના ખેડૂતની વડીલો પાર્જિત મિલકતમાં ખોટું એકરારનામું કરાવીને મનરેગા યોજનાના ખોટા લાભાર્થી બનીને ખોટું જોબકાર્ડ બનાવીને ખેડૂતની જાણ બહાર નાણા ઉપાડી કૌભાંડ કર્યુ હતું. જે પ્રકરણમાં તાલુકા પંચાયતના કચેરીના કર્મચારીઓ અને હાલના સરપંચના દિયર સહિત 7 ઇસમો વિરુદ્ધ જિલ્લા પોલીસવડાથી લઈ ગૃહરાજ્ય મંત્રી સુધી લેખિત રજૂઆત કરીને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે.
સાવલી તાલુકા પંચાયત ભ્રષ્ટાચારની ખાણ બની ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના જાગૃત નાગરિક એવા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે, આરટીઆઈ દ્વારા માહિતી માગતા તખતભાઇ પરમારની જમીનમાં તેમની જાણ બહાર ખેડૂતનું નામ અને બેન્ક ખાતા બીજાનો નાંખીને રૂપિયા 1.20840 રૂપિયા બારોબાર ચાંઉ કરી ગયાનો ખુલાસો થયો છે. જેમાં સાવલી તાલુકાના ગણેશપુરા ગામે રહેતા તખતભાઈ ડાયાભાઈ પરમારની પોતાની વડીલો પાર્જીત જમીન આવેલી છે. તેનો સંપૂર્ણ ભોગવટો અને કબજો ધરાવે છે.
આ જમીનમાં 2011-12થી 2 ટર્મ સુધીના માજી સરપંચ ભારતસિંહ ચકુભાઈ ગોહિલ પુત્ર અને હાલના મહિલા સરપંચના દિયર કિરણસિંહ ભરતસિંહ ગોહિલ રહે. વિટોજ તાલુકા સાવલીના છે. તેઓએ બોગસ લાભાર્થી પત્રક બનાવ્યું હતું અને તેમાં ખોટી સહી કરીને ગ્રામ પંચાયતમાંથી સરકારની મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત લાભ માટે ખોટું જોબકાર્ડ બનાવ્યું હતું. તેમાં તાલુકા પંચાયતના મનરેગા વિભાગ સહિતના અધિકારી અને કર્મચારીઓએ ભેગા થઈને ફરિયાદીના નામના નાણાં બેંકમાં ખાતામાં જમા કરાવીને કૌભાંડ આચર્યું હતું. જે ફરિયાદીની સમગ્ર જાણબહાર છે તેઓ લેખિત આક્ષેપ કરતું આવેદનપત્ર ગૃહ મંત્રી સહિતના અને તાલુકા વિકાસ અધિકારીને પાઠવતા ચકચાર મચી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.