રોષ:સાવલીથી રેગ્યુલર બસો બંધ કરી દેવાતાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રે ખાતરી આપતા વિદ્યાર્થીઓએ બસોને ચાલુ કરવા દીધી
  • સેંકડો વિદ્યાર્થીઓ વડોદરા, વિદ્યાનગર સહિતની કોલેજોમાં અવર-જવર કરે છે

સાવલી તાલુકામાં વિવિધ વિસ્તારની બસ સેવા શરૂ કરવાની માગણી પૂર્ણ ન કરાતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી બસો રોકી ચક્કાજામ કરતા ચકચાર મચી જવા પામી છે. જો કે વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપતા વિદ્યાર્થીઓએ બસોને ચાલુ કરવા દીધી હતી. સાવલીથી આણંદ તરફ જતાં વિદ્યાર્થીઓએ એસટીના અગાઉ કાર્યરત રૂટ ચાલુ કરાવવા કરી માગણી કરવામાં આવી હતી. સેકડો વિદ્યાર્થીઓ લો કોલેજ તેમજ વિદ્યાનગર કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં અવરજવર કરે છે.

વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં એસટી બસની અનિયમિતતાના કારણે ભારે અગવડતા પડી રહી છે. સાવલી તાલુકાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આણંદના વિદ્યાનગરમાં અભ્યાસ અર્થે જતા હોય છે. પહેલા આ રૂટ પર પૂરતા પ્રમાણમાં બસો કાર્યરત હતી પણ કોરોના કાળમાં સ્કૂલ, કોલેજો બંધ થતા રૂટ બંધ કરી દેવાયા હતા. જે હવે સ્કૂલ, કોલેજો, આઈ.ટી.આઈ, વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ આ રૂટ શરૂ નહીં કરાતાં તાલુકાના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

જે રૂટ ફરી કાર્યરત કરવા માટે લેખિતમાં અવારનવાર અરજીઓ કરવા છતાં પણ વિદ્યાર્થીઓની માગણીઓનું નિરાકરણ નહીં લાવતા, આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા સાવલી બસ સ્ટેન્ડથી જતી તમામ બસોને રોકીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેના જવાબમાં સંબંધિત અધિકારી દ્વારા આવતીકાલથી બસો કાર્યરત કરવાની બાંહેધરી આપતા હાલ પૂરતું આંદોલન સમેટી લઈને બસો જવા દેવાઈ હતી.

સાવલી તાલુકાને એસટી વિભાગ તરફથી ભારે અનદેખી કરવામાં આવે છે. પોતાનો ડેપો હોવા છતાંય પાણીગેટ ડેપોની મહેરબાનીથી સંચાલન થાય છે. પરિણામે ભારે અનિયમિતતા સર્જાય છે. એક સમયે સાવલી-વડોદરા રૂટ પર 60 વધુ બસો દોડતી હતી. આજે 6 બસો પર આવીને અટકી છે. તેના કારણે તાલુકાનું મુસાફરી વર્ગ ભારે પરેશાન છે.

સમગ્ર જિલ્લામાં સૌથી પહેલા જો કોઈ રૂટને કાપવામાં આવતી હોય તો એ સાવલી રૂટ છે. ડેપો મેનેજર મનસ્વી રીતે સાવલીના રૂટો પર આડેસર કાપ મુકી દે છે. પરિણામે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. પરિણામે સમય અને આર્થિક નાણાનો વ્યય થાય છે. તેવામાં આજરોજ વિદ્યાર્થીઓએ કંટાળીને ચક્કાજામનું શસ્ત્ર ઉગામ્યું હતું.

જોકે હાલ પૂરતું એસટી વિભાગના અધિકારીઓની દરમિયાનગીરી અને ખાતરી બાદ ચક્કાજામનું આંદોલન સમેટાઈ ગયું હતું. વિદ્યાર્થી આગેવાન વિક્રમસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે જો આગામી સમયે ખાતરી પ્રમાણે રેગ્યુલર રૂટ શરૂ નહીં થાય તો ફરીથી ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...