દુર્ઘટના:લામડાપુરામાં સંદીપ એન્ટરપ્રાઈઝમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલીના લાંમડાપુરા રોડ પર આવેલી લાકડાના આર્ટીકલ્સ બનાવતી કંપનીમાં આગ લાગતા ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી. - Divya Bhaskar
સાવલીના લાંમડાપુરા રોડ પર આવેલી લાકડાના આર્ટીકલ્સ બનાવતી કંપનીમાં આગ લાગતા ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી.
  • લાકડાના આર્ટીકલ બનાવતી કંપનીમાં તમામ સામાન બળીને ખાખ
  • 3 ફાયર ફાઈટરો કામે લાગ્યા, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી

સાવલી તાલુકાના લાંમડાપુરા રોડ ઉપર આવેલ સંદિપ એન્ટરપ્રાઇઝ જે લાકડાના દરવાજા અને અન્ય લાકડાની ચીજ વસ્તુઓ બનાવતી કંપની છે. તેમાં આજે તા 30 ઓક્ટોબરે વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં એકા એક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આજુબાજુના ગ્રામજનો વહેલી સવારે કંપનીમાં લાગેલી આગને નજરે નિહાળવા ચિંતાતુર થઈ ઊમટી પડ્યા હતા.

પ્રથમ સાવલીથી ફાયર ફાઈટરની મદદ લેવાઇ હતી. ત્યારબાદ મંજુસર જીઆઇડીસીના ફાયર ફાઈટર આગ ઓલવવા આવી પહોંચ્યા હતા. પરંતુ આગ એટલી હદે પ્રસરી ગઈ હતી કે કાબૂમાં લેવાય તેવી કોઈ આશા લાગતી ન હોવાથી આખરે વડોદરા ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી. વહેલી સવારથી માંડી સવારે 7-30 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ફાયર ફાઈટર આગ બુજાવવા કામે લાગ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તેની કોઈ જાણકારી મળી ન હતી. આ કંપનીની આજુબાજુ સિંનકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બેજ મેટલ જેવી કેમિકલ કંપની આવેલી છે. નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે કેમિકલ કંપની વચ્ચે આવેલી લાકડાની ચીજ વસ્તુ બનાવતી કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. આગને કાબુમાં લેવાના કોઈ સાધનો કંપની પાસે ઉપલબ્ધ ન હતા. તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આગને કારણે મોટાભાગે કંપની બળીને ભસ્મ થઈ જવા પામી હતી અને લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...