સાવલી તાલુકાના ટુંડાવ ગામે સૈયદ હસન અલી બાવા કાદરીના ઉર્શ પ્રસંગ નિમિત્તે ગરાસીયા સમાજ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 યુગલોએ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.
સાવલી તાલુકાના ટુન્ડાવ ગામે સૈયદ હસન અલી બાવા કાદરીના ઉર્ષ પ્રસંગ નિમિત્તે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પીરે તરીકત સૈયદ ઝાકીર અલી બાવા સાહેબના નેતૃત્વમાં સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પયગંબર સાહેબના અને કુરાન શરીફના આદેશ મુજબ ઇસ્લામ ધર્મમાં દરેક ફિજુલ ખર્ચીની મનાઈ ફરમાવવામાં આવી છે. ખાસ કરીને લગ્ન પ્રસંગને બિલકુલ સાદગીથી ઉજવવાનો આદેશ છે. સમાજમાં ચાલતા કુરિવાજો બદીઓ અને ખોટા ખર્ચાના કારણે અનેક કુટુંબો પાયમાલ થઈ જાય છે અને દેવાના ડુંગરો તળે દબાઈ જાય છે.
સામાજિક ઉત્થાન અને વિકાસની હરણફાળ તેમજ સમાજ અન્ય સમાજની સાથે મુખ્ય પ્રવાહમાં આવે તેવા શુભ આશયથી સૈયદ ઝાકીર અલી બાવા સાહેબે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓ અને શૈક્ષણિક રીતે આગળ વધતા યુવાનોનું મનોબળ અને ઉત્સાહ વધારવાના ભાગરૂપે ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. સમાજના આગેવાનો દ્વારા સમાજના યુવાનો અને યુવતીઓ શિક્ષિત સંસ્કારી અને દેશભક્ત બને તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે ટુંડાવ ખાતે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શકીલ નકુમ જજ ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર રણજીતસિંહ રાઠોડ, આર યુ ચૌહાણ, હાજી પ્યારેસાહેબ રણા, એડવોકેટ રણજીતસિંહ રાઠોડ સહિતના સમાજના અગ્રણીઓ, ઉલેમાઓ, સુફી સંતો અને સાદાતો હાજર રહ્યા હતા. તમામ નવયુગલોને ગરાસીયા સમાજ વતી જીવન વખરીની તમામ ચીજ વસ્તુઓ દાનરૂપી આપવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર રાજ્યના ગરાસીયા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.