કોમી અથડામણ:સાવલીમાં શોભાયાત્રામાં ડીજેનો અવાજ ઓછો કરવા મુદ્દે સર્જાઇ કોમી અથડામણ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિનામાં 3થી વધુ વાર કોમી છકમલાં: શુક્રવારે રાત્રે ફરી શાંતિ ડહોળાઇ
  • 32 સામે ગુનો નોંધાયો, 8ની ધરપકડ : નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

સાવલી નગરમાં કોમી અથડામણ બનાવો છેલ્લા ત્રણેક મહિનામાં ત્રણ કરતા વધુ વખત બની ગયા છે. ત્યારે શુક્રવારે રાત્રે ફરી નગરની શાંતિ ડહોળાઇ હતી. જેમાં બે જૂથો વચ્ચે શોભાયાત્રામાં ડી જે નો અવાજ ધીમો કરવા બાબતે માથાકૂટ થતાં પથ્થરમારો અને હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં 3થી વધુ લોકોને ઇજા થઇ હતી. પોલીસે આ મામલે બંને જૂથના 32 લોકો સામે ગુનો નોંધી 8ની ધરપકડ કરી હતી.

શુક્રવારે રાત્રે સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી. જે મુસ્લિમ વિસ્તારના બરોડા ભાગોમાંથી પસાર થતાં ડીજે ધીરેથી વગાડવા બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ 2 જૂથો સામ સામે આવી ગયા હતા. જેમાં પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. પાઇપ સહિતના હથિયારોથી હુમલો કરાતા 3થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

આ અંગે કમલેશભાઈ રમણભાઈ માળીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે શોભાયાત્રામાં સામેલ લોકો ઘરે પરત આવતા હતા ત્યારે ખાડિયા બજાર વિસ્તારમાં બરોડા ભાગોળ પાસે જૂની અદાવત રાખીને 19 જેટલા લઘુમતી કોમના લોકોએ હાથમાં લોખંડની પાઈપો રિવેટ વાલા પટ્ટા લોખંડની એંગલો હુમલો કરતા, મહેશભાઈ, વિષ્ણુભાઈ અને ધર્મેશભાઈ માળીને પણ માથાના ભાગે ઇજા થવા પામી હતી.જ્યારે સામે પક્ષે ફરજાનાબાનુ પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે વરઘોડો બરોડા ભાગોળ ચોક આવતા ડીજે જોરથી વાગતું હતું જેથી સમાજના આગેવાનોએ અવાજ ઓછો કરવાનું કહેતાં વરઘોડામાં હાજર 13 જેટલા લોકો લાકડીઓ અને મારક હથિયારો લઈને દોડી આવ્યા હતા અને ગાળાગાળી કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

સાવલી પોલીસ મથકે સામસામે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના મળીને 32 જણા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ સાવલી ખાતે દોડી આવ્યા હતા જેઓએ પરિસ્થિતિ કાબૂ રાખવાના પ્રયાસો કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ફરિયાદીઓએ વિશેષ નિવેદન આપતાં 32 આરોપીમાંથી 1 નગર સેવકની સંડોવણી
સાવલીમાં થયેલી અથડામણમાં 32 આરોપીઓમાંથી 3 વ્યક્તિઓ સાવલી નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર હતા. જેમાંથી ફરિયાદીના વિશેષ નિવેદનમાં એક કોર્પોરેટર ઈકબાલ રસુલમિયાં શેખ સહિત નવ આરોપીઓમાં સામેલ છે.

કોની કોની ધરપકડ કરાઇ ?
બંને પક્ષે ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહેશ રામાભાઇ માળી, ધર્મેશ જયંતીભાઈ માળી, કમલેશ રમણભાઈ માળી, ઈકબાલ હુસેન રસુલભાઈ શેખ, સકલેન ઈમ્તિયાઝ શેખ, શાહરૂખ ઈકબાલ હુસેન, સરફરાજ સિરાજ ભાઈ પઠાણ , મહોબત બસીર મિયા શેખ છે. જયારે વિષ્ણુ રામાભાઇ માળી દવાખાનામાં સારવાર હેઠળ હોઇ તેમની ધરપકડ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...