સાવલી તાલુકામાં પોઇચા કનોડા ગામે આકાશમાંથી રહસ્યમય ગોળો પડતાં ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર પંથકમાં કુતૂહલની સાથે ડરની લાગણી ફેલાઇ છે. પોઇચા કનોડા ગામના રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા નામના ખેડૂત સાંજના સમયે ખેતરમાં ફરવા ગયા હતા ત્યારે રહસ્યમય રીતે આકાશમાંથી પડેલો લોખંડનો ગોળો નજરે પડ્યો હતો.
જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ અને ડરની લાગણી પ્રસરી હતી. જેના કારણે ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ખેડૂતે સરપંચને કરતા સરપંચે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ગોળાને કબ્જે કરીને પોલીસ મથકે લઈ ગઈ હતી.
જ્યારે ખેડા જિલ્લામાં ભૂમેલ જેવા ગામોમાં ગોળા પડવાની ઘટના બાદ આજ રોજ સાવલી તાલુકામાં પણ ઘટના ચર્ચાનો વિષય બની હતી. જ્યારે કેટલાક લોકો આ ઘટનાને ધર્મપ્રેમી જનતા ધાર્મિકતા સાથે જોડતા જોવા મળી રહ્યાં છે. જ્યારે આકાશમાંથી પડતાં આ ગોળા બાબતે સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી થાય અને સત્ય બહાર આવે તેવી માગ ઊઠી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકૂવા અને દાગજીપુર બાદ શનિવારે સવારે નડિયાદના ભૂમેલ ગામમાંથી આવો જ ગોળો મળી આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.