ખેડૂતોને હાલાકી:લસુંદ્રાની 500 વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત

સાવલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીના લસુંન્દ્રા ગામે લસુંદ્રા માઇનોર કેનાલ વર્ષોથી પાણી વગર  કોરીકટ નજરે જોવામળી રહી છે. - Divya Bhaskar
સાવલીના લસુંન્દ્રા ગામે લસુંદ્રા માઇનોર કેનાલ વર્ષોથી પાણી વગર કોરીકટ નજરે જોવામળી રહી છે.
  • વર્ષોથી બનેલી કેનાલમાં આજદિન સુધી ટીપુંય પાણી નથી પહોંચ્યું
  • ખેડૂતોને દૂરથી ડીઝલ પંપ મૂકીને પાણી ખેંચીને સિંચાઈ કરવાનો વારો

સાવલી તાલુકાના લસુંદ્રા ગામની સીમમાંથી પસાર થતી લસુંદ્રા માઈનોર કેનાલમાં કેનાલ હોવા છતાંય આજદિન સુધી ટીપુંય પાણી ના આવતાં 500 વીઘાથી વધુ જમીનના ખેડૂતોને સિંચાઇના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેથી તંત્રની નિષ્કાળજી પ્રત્યે લોકો ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે.

સાવલીના લસુંદ્રા ગામની સીમમાં ખેતરોના સેઢા પરથી પસાર થતી કેનલોમાં આજ દિન સુધી એક ટીપું પાણી નહીં આવવાના બનાવો નોંધાયા છે. આના કારણે ખેડૂતોને પાણી વગર ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

લસુંદ્રા માઇનોર કેનાલ આશરે 500 વીઘાથી વધુ જમીનના શેઢા પર અથવા તો મધ્યમાંથી પસાર થાય છે. પરંતુ આજ દિન સુધી આ કેનાલ કોરીકટ રહેવા પામી છે. પરિણામે ખેડૂતોએ દૂરથી ડીઝલ પંપ મૂકીને પાણી ખેંચીને સિંચાઈ કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરીને થાકી ગયા છે. પરંતુ જે તે અધિકારીઓ આ કેનાલ પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે.

જાણવા મળ્યા પ્રમાણે હાલ ખેડૂતો સરકારને પોતાની જમીનમાંથી કેનાલ ખસેડી લેવા અથવા તો પાણી પહોંચે તેવી સક્ષમ બનાવવા વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે અને આવનાર સમયમાં લસુંદ્રા માઇનોર એક કેનાલ મુદ્દે આંદોલન છેડાય તો નવાઈ નહીં.

બીજી બાજુ કેનાલના અધિકારીઓએ કેવી રીતે આ કેનાલને પાસ કરી? કોણે કમ્પ્લિશન સર્ટિફિકેટ આપ્યું? કોણે એનઓસી આપી? અને કોણે બિલો પાસ કર્યા? તે સવાલ વિચારવા જેવા છે. સંબંધિત તંત્ર આ મુદ્દા પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

નિગમ પાસે ખેડૂતોને જમીન પરત કરવા માટે પણ માગ કરાશે
એક બાજુ દેશના વડાપ્રધાન આ ગુજરાત મેં બનાવ્યું છે તેવું કહી રહ્યા છે. ત્યારે તેમણે કેવું ગુજરાત બનાવ્યું છે તે જોવા જેવું છે. સાથે સાથે માત્ર વિકાસની વાતો કાગળ પર કરી રહી છે અને વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે. ત્યારે આવનાર સમયમાં જો લસુંદ્રા માઇનોર કેનલની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.

હાલ ચેનલોમાં પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ લસુંદ્રા માઇનોર એકમાં એક ટીપું પાણી નથી આવ્યું. ત્યારે આવી કેનાલો ખેડૂતો માટે શું કામની? નિગમ પાસે પણ ખેડૂતોને જમીન પરત કરવા માટે પણ માંગ કરાશે.- ડો. પ્યારેસાહેબ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્ય, ગોઠડા

અન્ય સમાચારો પણ છે...