દુર્ઘટના:સાવલીના લામડાપુરા ગામ પાસે ટેમ્પો પલટી ખાતાં 3 મજૂરના મોત

સાવલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ત્રણના મોત નિપજ્યાં. - Divya Bhaskar
આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ત્રણના મોત નિપજ્યાં.
  • જેસીબીને સાઇડ આપવા જતાં ટેમ્પો પલટી જતાં બનેલી કરુણ ઘટના
  • આણંદના અડાસથી રેલવેનો સામાન લઇ મજૂરો ટેમ્પોમાં જઇ રહ્યા હતા

સાવલી તાલુકાના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પર રેલવેનો સામાન લઈને પસાર થતો આઇસર ટેમ્પો રોડની સાઈડ પરથી પલટી ખાઈ જતાં ત્રણ મજૂરના કમકમાટીભર્યા મોત થયા છે. જાણવા મળ્યા પ્રમાણે સાવલીના લામડાપુરા કેનાલ પરથી આણંદ જિલ્લાના અડાસ ગામેથી રેલવેનો સામાન લઈને આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક પ્રેસ નજીક સામેથી આવતા જેસીબીને સાઈડ આપવા જતાં ટેમ્પો પલટી ખાઇ ગયો હતો.

જેમાં પાછળ બેઠેલા ત્રણ મજૂરો દબાઈ ગયા હતા અને ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવના પગલે આજુબાજુના રાહદારીઓ અને ફેક્ટરીના કામદારો ભેગા થઇ ગયા હતા. એક હાઈડ્રોની મદદથી મૃતકોને બહાર કાઢ્યા હતા. ભાદરવા પીએસઆઇ બી એન ગોહિલે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતકોના શબનો કબજો લઈને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ બાબુ પગી, અમરસિંહ રાયસિંહ પગી, વિક્રમ રામસિંહ પગી તમામ રહે. હોસેલાવ પોસ્ટ શેખપુર, તા.શહેરા, જિ.પંચમહાલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. ટેમ્પોમાં સવાર તમામ મજૂરો કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હતા અને ટેમ્પોમાં કુલ ડ્રાઇવર સહિત છ જણ સવાર હતા. જેમાં ત્રણ જણાનો આબાદ બચાવ થયો હતો. તેઓ રેલવેમાં વિવિધ પ્રકારની મજૂરી કરતા હતા. અને અડાસ ગામે રેલવેનું સમારકામ પતી જતાં પરત ફરતી વેળાએ આ અકસ્માત નડ્યો હતો. ભાદરવા પોલીસે હાલ મહેન્દ્ર અમરસિંહ પગીની ફરિયાદના આધારે અકસ્માત મોત રજિસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.

નિરમા કેનાલની સાઇડ ઉપર રોડને અડીને સલામતી અર્થે કોઇ રેલિંગ કે દીવાલ ન હોવાના કારણે આ આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. આ રોડ પર નિરમા કંપનીના ભારદારી વાહનો પસાર થતા હોઇ સંબંધિત વિભાગ રાહદારીઓના સલામતી અર્થે યોગ્ય તજવીજ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...