આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ માટે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે . ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એક નહિ ચાર ચાર મહિલાઓ પોતાના કાર્યો થકી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે . આદીવાસી જિલ્લામાં હાલ ચાર મહત્વના હોદ્દા કલેક્ટર, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને આયોજન અધીકારીના હોદ્દા પર બિરાજમાન થઈ છે. અને જિલ્લાનો વહીવટ સફળતાપૂર્વક સંભાળી રહી છે.
છોટાઉદેપુર જિ.ના કલેક્ટર પદે મહિલા
છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી મૂળ રાજસ્થાનના 36 વર્ષીય આઈ.એ.એસ. સ્તુતી ચારણ કાર્યરત છે. અને જિલ્લાના વિકાસમાં, અને લોકોની સુખાકારી માટે અને ખાસ કરીને મહિલાઓ માટે પોતાનું મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. પોતે યુપીએસસી પાસ કરીને લોકસેવામાં લાગી ગયા છે. કલેક્ટર સ્તુતિ ચારણના દાદા રાજસ્થાન કેડરમાં એક આઇ.એ.એસ. હતા અને તેઓને લોકસેવા કરતાં જોયા છે. તેઓના પિતા પણ રાજસ્થાનમાં ડે. ડાયરેક્ટર તરીકે લોકસેવા કરતા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહિલા
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો અનામત છે. પરંતુ સંખેડાના પરવેટા બેઠક પરથી વિજેતા બનેલા 36 વર્ષીય મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન છે. મલકાબેન પટેલ એક સામાન્ય ખેડૂત પરીવારમાંથી આવે છે. તેઓ પોતે પીટીસી, એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. મલકાબેન પટેલ પણ પોતાની જાતે જ મહિલાઓ માટે કઈક કરવાની ભાવના સાથે આંગણવાડીના કાર્યકર તરીકે કામ કરતાં હતા. 10 વર્ષ કામ કર્યાબાદ 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને જિ.પં.ના પ્રમુખ બની સેવા કરે છે.
સાંસદ તરીકે મહિલા
છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે પહેલીવાર એક મહિલા ગીતાબેન રાઠવાને ચૂટી કાઢવામાં આવ્યા છે. ગીતાબેન રાઠવાએ પોતાના જીવનમા ખૂબ સંઘર્ષ કર્યો છે. સામાન્ય શિક્ષકને ત્યાં જન્મ લીધો હતો, પરીવારમાં બે નાના ભાઈ છે. 2000, 2005માં પણ જિલ્લા પંચાયતમાં 24 વર્ષ ચંટાયા બાદ પ્રમુખ પણ બન્યા હતાં. 2019માં છોટા ઉદેપુર લોકસભા બેઠક ઉપર પહેલીવાર મહિલાને ટીકીટ આપવામાં આવી હતી. જેમાં ગીતાબેન રાઠવાએ જીત મેળવી હતી, અને હાલ લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે.
આયોજન અધીકારી તરીકે મહિલા
છોટા ઉદેપુર જિલ્લો આદીવાસી જિલ્લાની સાથે સાથે નવો કહી શકાય તેવો જિલ્લો છે. ત્યારે આયોજન અધીકારી તરીકે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી 46 વર્ષીય મહિલા અધીકારી શ્વેતાબેન ડાભી કામ કરી રહ્યા છે. સ્વેતાબેન ડાભી એક સુશિક્ષિત પરીવારમાંથી આવે છે. તેઓના પિતા રીટાયર્ડ શિક્ષણાધીકારી હતા. તેઓના પતી એક વૈજ્ઞાનિક છે. પોતાને પણ લોકસેવા માટે સરકારી નોકરી કરવાની ઈચ્છા હતી. પોતે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરી વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.