ઉનાળો આવતા જ છોટાઉદેપુર જિલ્લામાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સરહદી દિયાવાંટ ગામમાં વહીવટી ંત્રની બેદરકારીના કારણે ગ્રામજનોને પાણી માટે હવાતિયાં મારવાનો વારો આવ્યો છે.
મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલ દિયાવાંટ ગામમાં લોકોને વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે અને પાણી માટે ઓરસંગ નદીમાં વ્હેરી ખોદી પાણી ભરવા મજબૂર બનવું પડ્યું છે. ગામમાં સરકારની દરેક યોજના આપવામાં આવી છે પરંતુ તમામ યોજનાઓ ડચકાં ખાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયસર પૂરતું ધ્યાન ન અપાતાં દિયાવાંટ ગામના લોકોને ઓરસંગ નદીમાં વ્હેરી ખોદીને પાણી લાવવું પડી રહ્યું છે.
દિયાવાંટ ગામની 1200ની વસ્તી છે, જેમના માટે તંત્ર દ્વારા બોર, હેન્ડપંપ, કૂવા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હતા. અત્યારે આ તમામ બોર, કૂવામાં પાણી ખૂબ ઊંડે ઉતરી જતા પૂરતું પાણી મળતું નથી. એક મહિના પહેલાં ગામ લોકોને હેન્ડપંપ, બોર, કૂવામાંથી પાણી જરૂર જેટલું મળી રહેતું હતું, પરંતુ પાણીના સ્તર નીચે ઉતરી જતાં મુશ્કેલી સર્જાઈ છે અને ગ્રામજનો પાણી માટે હવાતિયાં મારી રહ્યા છે. ગામની મહિલાઓ પીવાના પાણી માટે ઓરસંગ નદીમાં દિવસના ચાર પાંચ આંટા મારીને વ્હેરી ખોદીને પાણી ભરી રહી છે.
દિયાવાંટ ગામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નલ સે જલ યોજનાનું કામ કરાયું છે, જે અત્યારે પણ અધૂરું છે. કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકની ટાંકી મૂકવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ હજુ પાણીની ટાંકી મૂકવાની બાકી છે. ઘેર ઘેર નળ કેટલીક જગ્યાએ બેસાડ્યા છે તે પણ હાલ યોજના બંધ હોવાથી નકામા થઈ ગયા છે.
અડધાથી ઉપરના ગામમાં નળ બેસાડવાના તો ઠીક લાઈન પણ નાખવામાં આવી નથી. પ્રોજેક્ટ ગામે તેમ કરીને પૂરો કરી દેવામાં આવ્યો છે અને હવે આ યોજના ચાલુ છે કે બંધ થઈ ગઈ તે જોવા કોઈ અધિકારી ગામમાં ફરકતા સુદ્ધાં નથી. જેનો ભોગ ગ્રામજનોને બનવું પડે છે. હાલ તો દિયાવાંટ ગામના લોકો વહીવટી ંત્રના પાપે પાણી માટે હવાતિયાં મારવા મજબૂર બની ગયા છે.
વીજ કનેક્શન ન મળતાં પાણી બંધ છે, અરજી કરી છે
દીયાવાટમાં યોજનાનું કામ 2018માં શરૂ કર્યું હતું. ગામમાં ચાર ફળિયામાં ટાંકી બેસાડી છે. વીજ કનેક્શન ન મળવાને કારણે પાણી બંધ છે. કનેક્શન માટે અરજી કરી છે, પરંતુ વીજ કંપની દ્વારા હજુ કનેક્શન ન અપાતા હાલ પાણી મળી શકતું નથી. વીજ કંપનીમાં પણ રજૂઆત કરી છે. લગભગ 8થી 10 દિવસમાં થઈ જશે. ત્યાં એક સોલર ટાંકી બેસાડી છે. તે ચાલુ છે. > આનંદ પવાર, આસિ. મેનેજર, ટેકનિકલ, વાસમો, છોટાઉદેપુર
દિવસમાં 4-5 વખત પાણી ભરવાનું થાય છે
દિયાવાડ ગામમાં અમારે પાણીની કેટલી બધી તકલીફ છે. દિવસભર સવાર સાંજ પાણી લેવા જવાનું, વ્હેરી ખોદીને પાણી ભરવું પડે છે. આખા દિવસમાં ચાર-પાંચ વખત પાણી ભરવાનું થાય છે. પાણી ભરીને આખો દીવસ ભાંગી જાય, કામ થતું નથી. ખેતરમાં અકામ કરવાનું કે પાણી ભરવાનું ? ગામમાં બોર કાઢ્યા પણ પાણી નથી. > કંજલીબેન રાઠવા, સ્થાનિક મહિલા, દિયાવાંટ
પાણી વ્હેરી ખોદી લાવીએ છે
અમારા દિયાવાંટ ગામમાં નળ સે જલ યોજના છે, તેમાં ટાંકા નથી મૂક્યા. લાઇન નથી કાઢી. બોર નથી થયા. એકમાં પણ પાણી નથી. બધુ અધૂરું છે. અત્યારે તો જે બોરમાં પાણી મળે તે નહીં તો એક કિલોમીટર દૂર ઓરસંગ નદીમાં વ્હેરી ખોદીને લાવીએ છે. > રમેશભાઈ રાઠવા, સ્થાનિક આગેવાન, દિયાવાંટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.