આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. પૈસાની લાલચે અમુકનો જીવ જાય છે. તો અમુક આ તાંત્રિક વિધિનો શિકાર બને છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના કવાંટથી સામે આવ્યો છે. કવાંટ તાલુકાના એક ગામની સગીરાને રૂપિયાની લાલચમાં ભોળવીને અપહરણ કરીને લઈ જઈ તેના ઉપર આખી રાત તાંત્રિક વિધિ કરવાની ઘટના બની હતી. રૂપિયાની લાલચે સગીરાને તાંત્રિક વિધિમાં ખસેડવાના આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.
રૂપિયાની લાલચે સગીરાને તાંત્રિક વિધિ ધકેલી
કવાંટ તાલુકાના એક ગામની એક સગીરાને રૂપિયા મેળવવા માટે લાલચમાં આવી ગામના જ બે શખસો લઈ ગયા હતા. ગામના જ એક યુવક વીકેશ અને સંગીતા નામની મહિલાએ સગીરાને પટાવીને પડીકી ખાવા દુકાને લઈ જવાના બહાને કહીને ઘરેથી લઇને નીકળ્યા હતા.સગીરાનાં માતા-પિતા ઘરે ન હતાં અને સગીરાને રોકવાવાળું કોઈ ન હોવાથી સગીરા પણ તેમની સાથે ચાલતી થઈ હતી. આગળ જતાં સગીરાને બાઈક ઉપર બેસાડીને ત્રણેય જણા નસવાડી તાલુકાનાં ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચતાં અન્ય બે બાઈક લઈને દિલીપ નામના શખસ સહિત ત્રણ જણા આવ્યા હતા.
સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જવાઇ
ત્યાંથી ત્રણેય બાઈક લઈને આગળ તણખલાથી આગળ એક ગામ પાસે પહોંચ્યાં હતાં. જ્યાં બે ઇકોગાડી લઈને આવેલા અજાણ્યા ઈસમો સાથે ત્રણેય બાઈક મૂકીને ઇકો ગાડીમાં બેસી ગયા હતા. ઈકો ગાડીમાંથી તેઓ તમામ લોકો નર્મદા જિલ્લાના ઘંટોલી ખાતે નદી કિનારે આવેલા એક ઘરમાં ગયાં હતાં. જ્યાં એક તાંત્રિકે આવીને સગીરાને મંત્ર શિખવાડ્યો હતો. જ્યારે બીજા દિવસે રાત્રે અન્ય તાંત્રિક આવ્યો હતો અને સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જવાઇ હતી.
સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી
કંકુ વડે એક કુંડાળું બનાવી અને એમાં નિર્વસ્ત્ર કરવાનું કહેતાં સગીરા નિર્વસ્ત્ર થઇ હતી. ત્યાર બાદ તેને કપાળે ચાંદલો કરી, પગમાં નાળિયેર બાંધીને ઊભી રખાઇ હતી અને મંત્રજાપ શરૂ કરાવ્યા હતા. જે આખી રાત કરવાના હતા, પરંતુ સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી હતી અને વિધિ નિષ્ફળ થઈ હતી. એને લઇને તાંત્રિકે સગીરાને લાવનાર સંગીતા, વિકેશ અને દિલીપને બોલાવીને આ સગીરાને પાછી લઈ જવા અને પંદર દિવસ પછી ફરીથી લાવવાનું કહીને ઘરે મોકલી આપી હતી. કવાંટ તાલુકાની સગીરા બે દિવસ બાદ ઘરે આવતાં તમામ હકીકત મા-બાપને જણાવતાં તેઓએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કવાંટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બીજા દિવસે ત્યાં કોઈ મહારાજ આવ્યો મને મંત્ર શિખવવા- પીડિતા
‘ઘરેથી મને ભાભી દુકાન સુધી ચાલો તેમ કહીં લઈ ગઈ. જ્યાંથી બે જણા આવ્યા હતા અને બાઈક ઉપર બેસાડીને લઈ ગયા. બાદમાં કડુલી ચોકડી બાઈક ઊભી રાખી ત્યાંથી વિકેશે કોઈને ફોન કરી બોલાવ્યા અને અમે લોકો આંધળી ગામ ગયા, ત્યાંથી ત્રણ વ્યક્તિ મને તણખલા બાજુ લઈ ગયા. ખબર નહીં મને ક્યાં લઈ ગયાં પણ કોઈ ઘરે લઈ ગયા હતા, ત્રણ ઘર હતાં. 12 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા અને જમીને સૂઈ ગયાં. બીજા દિવસે ત્યાં કોઈ મહારાજ આવ્યો હતો મને મંત્ર શિખવાડવા અને સાંજે કોઈ બીજો મહારાજ આવ્યો ત્યારે 5 વાગ્યા હતા. મહારાજના આવ્યા પછી અમે લોકો જમ્યા ને પછી બીજા લોકો હતા તે બહાર જતા રહ્યા અને હું અને મહારાજ ઘરમાં એકલાં હતાં. મહારાજે બધા બહાર ગયા પછી મારાં કપડાં કઢાવ્યાં, મારા બંને પગમાં નારિયેળ બાંધ્યા, વાળ છુટા કરાવ્યા, ગળામાં દોરો બાંધ્યો, તિલક કર્યું પછી મને શિખવાડેલો મંત્ર બોલવાનું કીધું. આખી રાત મને ત્યાં ઊભી રાખી અને સવારે પાંચ વાગ્યે મને મંત્ર બોલાવી ગ્લાસમાં પાણી હતું તે પીવડાવ્યું હતું ને હું બેભાન થઈ ગઈ હતી. ઊઠી ત્યારે કપડાં પહેર્યા અને ઘરમાંથી બહાર નીકળ્યા અને બસ સ્ટેશન સુધી બે બાઈકમાં 6 થી 7 લોકો મને નામ નથી ખબર પણ એ લોકો મને મૂકવા આવ્યા હતા. સંગાથે ગઈ તેનાં નામ સંગીતાભાભી, વિકેશ, દિલીપ અને બીજા ત્રણ હતા તે મૂકવા આવ્યાં હતાં. એ લોકો બહાર વાત કરતાં ત્યાં મેં સાંભળ્યું હતું કે, એ લોકો મને 30 કરોડ રૂપિયા મેળવવા માટે ત્યાં લઈ ગયા હતા. આવી વિધિ કરીને તે લોકો રૂપિયા કમાવવા માંગતા હતા. હું જેવી ઘરે પહોંચી મેં મારા મમ્મી - પપ્પા ને આ ઘટના વિશે જણાવી દીધું હતું. એટલે તેઓએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.