પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં છેલ્લા 25 દિવસમાં 15થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાતા નગરની જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.વર્તમાન સમયમાં ઋતુ બેવડાતા શરદી-ખાંસીના કેશો વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે પાવીજેતપુર નગરના નાની બજાર નજીક આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં તાવ તેમજ ખાંસીના કેશો વધતા તપાસ કરતા છેલ્લા 20થી 25 દિવસમાં 15થી વધુ કેશો ડેન્ગ્યુના નોંધાવા પામ્યા છે. જેને લઇ સ્વભાવિક રીતે જ સ્વામિનારાયણ સોસાયટીની જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.
આ સોસાયટીના રહીશોના પરિવારમાં એક વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે. તો ધીમે ધીમે ઘરના તમામ સભ્યોને ડેન્ગ્યુ પકડમાં લઇ લે છે. પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ કેટલાક કેશો સાજા પણ થઈ જવા પામ્યા છે. પરંતુ બીજા કેશો પણ વધી રહ્યા છે. ત્યારે આ થવા પાછળનું કારણ શું? આવા વેધક સવાલો સ્વામિનારાયણ સોસાયટીના રહીશોમાં ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે પાણી ભરાઈ રહે અને મચ્છરો પેદા થાય અને એ મચ્છર કરડે ત્યારે ડેન્ગ્યુનો ભયંકર રોગ થતો હોય છે.
સ્વામિનારાયણ સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ લાંબા સમયથી ગટરોમાં પાણી ઉભરાય છે તેમજ સ્વામિનારાયણ સોસાયટીમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ રહે છે. જેના કારણે ડેન્ગ્યુ થઈ રહ્યો છે. જેની જાણ તંત્રને રહીશો દ્વારા વારંવાર કરવામાં આવી છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. કે શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? તો તંત્ર યુદ્ધના ધોરણે ડેન્ગ્યુનો પ્રકોપ સ્વામિનારાયણ સોસાયટી સહિત નગરમાં ન વધે તે માટે અગમચેતી ના પગલા ભરે તેવી પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીની જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.
સાથે સાથે ગ્રામ પંચાયતની કચરો ઉઘરાવવા આવતી ગાડી અઠવાડિયામાં એક કે બે વાર જ આવે છે. ત્યારે કચરો ઉઘરાવાળી ગાડી રોજે રોજ આવે તેવું આયોજન કરવામાં આવે તેવી નગરની જનતાની બુલંદ માંગ ઉઠી છે. પાવીજેતપુર આરોગ્ય ખાતાને સ્વામિનારાયણ સોસાયટીમાં ડેન્ગ્યુ ફેલાયાની જાણ થતા તંત્ર દોડી જઈ સોસાયટીમાં દવાનો છંટકાવ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.