લોકોના આરોગ્ય સાથે ચેડાં:બાર ગામ પાસે મેડિકલ વેસ્ટ ફેંકીને મેડિકલ માફિયા ફરાર

પાવી જેતપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાવી જેતપુર તાલુકાનાં બાર ગામ પાસે સ્ટેટ આર એન્ડ બીના રોડની બાજુમાંથી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેકીને મેડિકલ માફિયાઓ ફરાર થઈ ગયા હતા અને આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પાવી જેતપુરના અંતરીયાળ વિસ્તારમાં મેડિકલ માફિયાઓ ખૂબ જ સક્રિય છે. એકાદ મહિના અગાઉ જ બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. હવે અંતરીયાળ વિસ્તારના બાર ગામ પાસે સ્ટેટ આર એન્ડ બીના રોડની બાજુમાં મોટી માત્રમાં મેડિકલ વેસ્ટ ફેકીને મેડિકલ માફિયાઓ ફરાર થઈ ગયા હતા. આ મેડિકલ વેસ્ટમાં વપરાશમાં આવેલ ઈન્જેક્સનની ખાલી બોટલ, વપરાયેલી નીડલ સાથેની સીરીંજ તેમજ બોટલને ચઢાવવામાં વપરાતા ડીસ્ટીલ વોટરની ખાલી બોટલો મોટી માત્રામાં જોવા મળી હતી. આ મેડિકલ વેસ્ટ પડ્યો હોવાની બાર ગામના સ્થાનિક યુવકોને થતાં તેઓએ સ્થાનિક પી.એચ.સી. તેમજ વન વિભાગને જાણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મહત્વની વાત એ છે કે આવી રીતે મેડિકલ વેસ્ટને જાહેર રસ્તાની બાજુમાં નાખવાથી સ્થાનિક તેમજ અવાર જવર કરતાં લોકોના આરોગ્યને હાનિ પહોચે છે. આ વાત જાણતા હોવા છતાં મેડિકલ માફિયાઓ દ્વારા આવું કૃત્ય કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાતા હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આવા મેડિકલ માફિયાઓને ઝડપીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે ખબર નથી
બાર ગામના સીમાડે રસ્તાની બાજુમાં મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે ખબર નથી પણ સોય સાથે ઈન્જેક્સન છે. ખાલી બોટલો છે. બધુ વેસ્ટેજ છે. ત્રણ ચાર દિવસથી છે અમે પી.એચ.સી.પર પૂછ્યું તો આ સરકારી નથી પ્રાઈવેટ છે એવું કીધું.> તુષાર રાઠવા, સ્થાનિક યુવક, બાર

અમે મેડિકલ ઓફિસરને તપાસ કરવા કહ્યું છે
આ મેડિકલ વેસ્ટ પડ્યો હોવાની જાણ અમને થઈ છે. અમે તેની મેડિકલ ઓફિસરને તપાસ કરવા કહ્યું છે. આ મેડિકલ વેસ્ટ સરકારી નથી. અમારું બી.એમ.ડબલ્યુ.માં ટેસ્ટિંગ થાય છે. અઠવાડિયામાં ત્રણ દિવસ હાલોલથી ગાડી આવીને મેડિકલ વેસ્ટ લઈ જાય છે. આ વેસ્ટ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરે છે તેનો હોય તેવું લાગે છે. હું તપાસ કરાવીને કાર્યવાહી કરાવું છું. > ડો.વિકાસ રંજન, ટી.એચ.ઓ., પાવી જેતપુર

અન્ય સમાચારો પણ છે...