પાવી જેતપુર નગરના હરીજન વાસમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનીક લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી છે. જેને લઈને ગામના આગેવાને ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી વડાપ્રધાન સહિત વહીવટીતંત્ર પાસે માંગી છે.પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી હરીજન વાસમાં ગટરનું કામ અધૂરું રાખવામા આવ્યું છે. ગામના વાલ્મીકિ સમાજના લોકો ગામની ગટર સાફ કરે છે. પરંતુ તેઓને વહીવટી તંત્રની અનદેખીના કારણે ગંદકીમાં રહેવાનો વારો આવ્યો છે.
અગાઉ પણ ગામના જાગૃત નાગરીક દ્વારા આ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે તત્કાલીન જિલ્લા વિકાસ અધીકારી મિહિર પટેલ દ્વારા રૂા. 10 લાખની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા વાલ્મીકિ સમાજની સમસ્યાનો ઉકેલવાની તસ્દી સુધ્ધાં લીધી નથી અને આજે 2 વર્ષના વ્હાણા વીતવા છતાય વાલ્મિકી સમાજના લોકો ગંદકીમાં રહેવા મજબૂર બની ગયા છે. જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ સમાજના લોકો ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હોય તેઓ રજૂઆત કરી શકતા નથી.
જેને લઈને ગામના જાગૃત નાગરીક લલિત રોહિત દ્વારા વારંવાર ગ્રામ પંચાયત, કલેક્ટર, તત્કાલિન નાયબ મુખ્યમંત્રી, કાર્યપાલક ઇજનેરને લેખીતમાં રજૂઆત કરી છે. પરંતુ પરીણામ ન મળતા કંટાળીને લલિત રોહિતે વડાપ્રધાનને ટ્વીટ કરીને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરીને ગટરનું કામા તાત્કાલિક ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે ભૂખ હડતાળ કરવાની મંજૂરી માંગતા ખળભળાટ મચી ગયો છે.
અમારે નોકરી કરવાની, એટલે બોલી નથી શકતા
અમારી આ ગટર વર્ષોથી આ હાલતમાં છે. ખુલ્લી ગટર છે. ગામની ડ્રેનેજની લાઈનો પણ આમાં નાખી દીધી છે. પુષ્કળ ગંદકી છે. અમારાવાળા ફરિયાદ કરવા જાય પણ અમારે નોકરી કરવાની, અમારા કેટલાક રોજમદાર કર્મચારીને તો છૂટા પણ કરી દીધા છે. અમારે નોકરી કરવાની એટલે બોલી નથી શકતા. અમે અગાઉ વીડિયો પણ બનાવ્યા હતા. - જગદિશભાઈ સોલંકી, સ્થાનિક રહીશ, હરિજન વાસ
રજૂઆતો કરવા છતાં હજુ કોઇ નિર્ણય આવ્યો નથી
ગામના દબાયેલા કચડાયેલા એવા સમાજના લોકોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને તેની હું એ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. જેને લઇને મારે નાછૂટકે ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી માંગવી પડી છે. - લલિત રોહિત, આગેવાન, પાવી જેતપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.