પાવીજેતપુર તાલુકાના કદવાલ ભીખાપુરા વિસ્તારમાં દિવસના બદલે રાત્રે વીજળી મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડીમાં કામ કરવું પડે છે. તેમજ જંગલી જાનવરો એવા રીંછ, ભૂંડ, દીપડાનો ભય કિસાનોને સતાવી રહ્યો છે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે દિવસે આઠ કલાક વીજળી આપવાનું સરકારે જાહેર કર્યું હતું. પરંતુ પાવીજેતપુર તાલુકાના કદવાલ, ભીખાપુરા પંથકના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. પરંતુ જંગલ વિસ્તારમાં આવતા પાવી જેતપુરમાં રાત્રે વીજળી અપાતા ખેડૂતોને શિયાળાની કક્કડતી ઠંડીમાં ઉજાગરા કરીને રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એટલું જ નહીં કેટલાક રવિ પાકોને ઓછું પાણી આપવાનું હોવાથી રાત્રે અંધારામાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બને છે. રાત્રિના અંધારામાં પાકમાં જરૂર કરતાં વધારે પાણી ક્યારામાં ભરાઈ જાય તો પાકને નુકસાન થાય છે. એટલે ઠંડીમાં ઠુંઠવાતાં ખેડૂતોએ કરેલા ઉજાગરા પણ માથે પડે છે. ત્યારે રવિ પાકોના સિંચાઈ માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.
કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે. ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે. તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. ત્યારે હાલ અગમ્ય કારણોસર ખેતી માટે દિવસના બદલે રાત્રે ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતોમાં કિસાન સૂર્યોદય યોજનાનું બાળ મરણ થયું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
કદવાલ ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી સુધી દિવસે વીજળી મળતી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કદવાલ અને ભીખાપુરા વિસ્તારના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને કક્કડતી ઠંડીમાં પિયત કરવું પડે છે. ત્યારે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ તેવી રજૂઆત સરપંચો દ્વારા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
શિયાળાની ઠંડીમાં હિંસક પ્રાણીઓ આવતાં હોય છે
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. ત્યારે હમણાં જ રાયપુર ગામે રહેતાં ગોરધનભાઇ સાભભાઈને રાત્રિના સમયે ખેતરમાં કામ કરતી વેળાએ ભૂંડે હુમલો કર્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. શિયાળાની ઠંડીમાં આવા હિંસક પ્રાણીઓ આવતાં હોય છે. ત્યારે ઉભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી અમારી માંગ છે. > સુમનભાઈ નાયક, સરપંચ, પાની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.