જોખમ:પાવીજેતપુર પાસે ઓરસંગ નદીના પુલના પિલ્લરો અડધા બહાર આવતા જોખમ

તેજગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓરસંગ નદી ઉપર રતનપુર જેતપુર વચ્ચે પુલ આવેલો છે. આ પુલના પાયા લગભગ નીચેથી ખુલ્લા થઈ ગયા છે. - Divya Bhaskar
ઓરસંગ નદી ઉપર રતનપુર જેતપુર વચ્ચે પુલ આવેલો છે. આ પુલના પાયા લગભગ નીચેથી ખુલ્લા થઈ ગયા છે.
  • સ્થાનિકો દ્વારા આસપાસ ચાલતી રેતીની લીઝો ઉપર પ્રતિબંધ મૂકવા માગ
  • પુલના કુલ 21 પિલ્લરો પૈકી 12 પિલ્લરોના પાયા બહાર આવેલા દેખાઈ રહ્યા છે

પાવીજેતપુર નજીક ઓરસંગ નદી ઉપરના પુલના પીલ્લરોનું રેતી ખનન કારણે મોટાપાયે ધોવાણ થયું છે. છેલ્લા ઘણા સમયથી આડેધડ રેત ખનનને લઈ પુલ જોખમમાં મૂકાયું છે. સ્થાનિકો આસપાસ ચાલતી રેતીની લિઝો ઉપર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર-રતનપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર લાબું પુલ આવેલું છે. સ્થાનિકોનું માનીએ તો પુલની બંને તરફ આડેધડ રેત ખનનને લઈ પીલ્લરો ખુલ્લા પડી ગયા છે. 21 પીલ્લરો પૈકી 12 પીલ્લરોના પાયા દેખાઈ આવ્યા છે. મોટાભાગે પાયામાના સળિયા પણ બહાર આવી ગયા છે. અંદાજે 15 ફુટથી વધારે પીલ્લરો ખુલ્લા પડી જતાં પુલ તૂટી જવાનું જોખમ વર્તાઈ રહ્યું છે.

આ પુલની નજીક જ પાવીજેતપુર નગરને પીવાનું પાણી પહોંચાડતું વોટરવર્ક્સ પણ છે. છતાં પ્રશાસન જરૂરી પગલાં લેતું નથી. રેતી ખનનને લઈ પર્યાવરણને તો નુકશાન થઈ રહ્યું છે. સાથેસાથે જાહેર સંપત્તિને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. પુલની આસપાસ કાયદેસરની રેતીની લિઝો આવેલી છે.

પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ લિઝ ધારકો દ્વારા કાયદા વિરુદ્ધ મોટા પ્રમાણમાં ખનન થાય છે અને તેને લઈને જ જાહેર સંપત્તિને મોટું નુકસાન ભોગવવું પડે છે. નિયમાનુસાર આ પુલની 200 મીટર અંતર બાદ રેતીની લિઝને મંજૂરી અપાય છે. પરંતું આ અંતર વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાલ તો પુલના પીલ્લારોને મજબૂતાઈ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 કરોડ 60 લાખના ખર્ચે કામગીરી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પરંતુ લોકોનું માનીએ તો જો રેતી ખનન ઉપર અંકુશ નહિ આવે તો સમારકામ પાછળ ખર્ચવામાં આવતા જનતાના કરોડો રૂપિયાનો પણ વેડફાટ જશે.

ટૂંક સમયમા રિપેરિંગનું કામ શરૂ થશે
ઓરસંગ નદી ઉપર રતનપુર જેતપુર વચ્ચે પુલ આવેલો છે. એ પુલના પાયા લગભગ નીચેથી ખુલ્લા થઈ ગયા છે. રેતીખનન કે પૂરના કારણે આ બાબતે કામ ક્યારે થશે તે બાબતે આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર રાણા સાથે વાતચીત કરી તો તેઓ તરફથી એવું જાણવા મળ્યું કે ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે અને વર્ક ઓર્ડર પણ આસિષ બ્રીજને આપ્યો છે. ટુક સમયમા રીપેરીંગનુ કામ શરૂ થશે. સરકારી મિલકતને વારંવાર નુકસાન ન થાય અને પાયા ખુલ્લા ન થાય તે માટે આજુબાજુમા રેતીખનન ન થાય જો એવુ ધ્યાને આવશે તો તપાસ કરી ખાણ ખનીજ વિભાગ તેમજ કલેકટરને જાણ કરવામા આવશે. - પી.એમ.મકવાણા, મામલતદાર, પાવીજેતપુર

મિલિભગત નેતાઓ અને વહીવટી તંત્ર જવાબદાર છે
રતનપુર જોડતો મુખ્ય માર્ગ પર પુલ આવેલ છે. જે દેખી શકાય છે કે એની શું હાલત થઈ છે. જાહેર મિલકતને જે નુકસાન થયુ છે એ રેત ખનનના કારણે થયું છે. તે આજુબાજુ રેત ખનન ચાલતું રહે છે. જેમાં મીલીભગત નેતાઓ અને વહીવટી તંત્ર જવાબદાર છે. આ ટ્રાઇબલ એરિયા માટે સંવિધાનમાં બનેલા કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. એના કારણે જાહેર સંસાધન નુકસાન થઈ રહ્યું છે અને ખોટા રૂપિયા વેડફાઈ રહ્યા છે. વહીવટીતંત્ર વહેલી વહેલી તકે ત્યાં ધ્યાન આપી અને રક્ષણ કરવાનું કામ કરે છે. - વિજય રાઠવા, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...