ગ્રામજનોનો આક્ષેપ:કનલવામાં આવાસ - શૌચાલય અને રોડના કામોમાં ભ્રષ્ટાચાર

પાવી જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ કર્યા વગર જ રૂપિયા ઉપાડી લીધા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

કવાંટ તાલુકાનાં કનલવા ગામમાં આવાસ, શૌચાલય અને રોડના કામોમાં ગેરરીતિ આચરી હોવાની ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં કનલવા ગામમાં પ્રધાનમંત્રી આવાસ, શૌચાલય અને રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

ગામમાં અસંખ્ય લોકોના નામે આવાસ મંજૂર કરાવી દેવામાં આવ્યા છે, તેઓના નામ પર આવાસ મંજૂર કરાવીને તેઓ પાસેથી રૂપિયા પણ ઉપાડીને લઈ લેવાયા છે, અને આવાસનું કામ કર્યા વિના જૂના મકાન ઉપર જ બોર્ડ મારીને આવાસ બતાવી રૂપિયા ઉપાડી લેવાયાનો હોવાનો ગંભીર આક્ષેપ કરાઇ રહ્રયો છે.

જ્યારે કેટલાકના તો આવાસ બન્યા જ નથી અને રૂપિયા ઉપાડી લેવાયાનો આક્ષેપ કરાયો છે, આટલું ઓછું હોય તેમ પાંચ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ આવાસ ઉપર જ બીજી વખત આવાસ મંજુર કરીને બીજી બાજુ બોર્ડ મારીને ફરીથી રૂપિયા ઉપાડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો લગાવી રહ્યા છે. કનલવાના 900 થી વધુ શૌચાલય બનાવ્યા વિના જ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે,.

જ્યારે કેટલાક ગ્રામજનોએ પોતે શૌચાલય બનાવ્યું હોવા છતાં તેઓને રૂપિયા મળ્યા નથી અને તેઓના રૂપિયા બારોબાર બીજા ઉપાડી ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. કનલવા ના ગ્રામજનો દ્વારા આ તમામ આક્ષેપ ગામના સરપંચપતિ અને મળતીયાઓ દ્વારા કરાયાનો આક્ષેપ છે.

આવાસના રૂપિયા લાભાર્થીને આપ્યાં જ નથી
કનલવા ગ્રામ પંચાયતની અંદર તમામ કામગીરી માત્ર પેપર પર જ થઈ છે. જગ્યા પર કામ જ નથી થયું. અને પૈસા પણ ખાઈ ગયા છે. આવાસમાં જૂના મકાન પર બોર્ડ મારીને અને પૈસા ઉપાડી ખાઈ ગયા છે.આવાસના રૂપિયા લાભાર્થીને આપ્યા નથી તે કનુ સરપંચ જ ખાઈ ગયો છે. એવી જ રીતે 952 ટોઇલેટ પણ પેપર પર જ બોલાવી દીધું છે. પૈસા જ નથી મળ્યા, સરપંચ જ ખાઈ ગયો છે ગામનો. અમે તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે પણ ટીડીઓ પણ કોઈ જવાબ નથી આપતા. - કનેશભાઈ રાઠવા, સ્થાનિક આગેવાન, કનલવા

રસ્તો બંધ છે પણ પેપર પર છે
ધાણકી ફળીયાથી બામણી ફળીયાનો જે રોડ બન્યો છે, એ પગદંડી રસ્તો છે અને અમારી માલિકીની જગ્યા છે, અમે રોડ બનાવવા માટે કોઈ પરવાનગી આપી નથી.તો આ રોડ ઓન પેપર પર કેવી રીતે બની ગયો અને પૈસા કેવી રીતે ઉપાડી ગયા ? હાલમાં આ રસ્તો બંધ જ છે પણ પેપર પર બતાવે છે. આના પૈસા ક્યાં ચાઉ થયા ? - કાંતાબેન ભાયાભાઇ રાઠવા, સ્થાનિક મહિલા, કનલવા

ટોયલેટના પૈસા નથી આવ્યા કે ઇંટ પણ નથી મૂકી
મારા નામનું ટોઇલેટ બનાવી આપીએ કહીને ગયા પણ અમને પૈસા આપવા પણ નથી આવ્યા ! કે એક ઈંટ પણ ગોઠવી નથી. અમે તપાસ કરી તો ડેરીમાથી અમારા રૂપિયા ઉપડી ગયા છે. અમે કોઈ પૈસો ઉપાડયો નથી. મને તો શું ગામના કેટલાય લોકોને પૈસા નથી મળ્યા. - સુખરામભાઇ રાઠવા, સ્થાનિક રહીશ, કનલવા

ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે
કનલવા ગામમાં અરજદાર દ્વારા વિકાસના કામની લગતી જે કામગીરી થઈ છે તેમાં આવાસ યોજના, શૌચાલય અથવા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર છે એવી રજૂઆત કરાઇ હતી. એની વિગતવાર અને વારંવાર ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. અને જિલ્લા પંચાયતને રિપોર્ટ સબમિટ કર્યો છે. હવે જિલ્લા પંચાયત દ્વારા સમીક્ષા દ્વારા જે સૂચના આપવામાં આવશે તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. - હર્ષિત પટેલ, TDO , કવાંટ

અન્ય સમાચારો પણ છે...