છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસના રાજા જયપ્રતાપસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પેલેસમાં વીજમીટર બાયપાસ કરી વીજ ચોરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. છોટાઉદેપુર MGVCL દ્વારા તા.2 ફેબ્રુઆરીએ કરાયેલા ચેકિંગમાં આ વીજચોરી ઝડપાઇ હતી. એક મહિના બાદ તા.2 માર્ચના રોજ આ વીજચોરી બદલ રૂા.16.56 લાખનો દંડ ફટકારાયો છે.
છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસના પાર્ટી પ્લોટમાં 2 ફેબ્રુઆરીના રોજ MGVCLના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પેલેસના પાર્ટી પ્લોટમાં લંગર નાખી વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ જ દિવસે પેલેસમાં પણ ચેકિંગ કરતાં પેલેસમાં વીજ મીટરને બાયપાસ કરી વીજ ચોરી કરાતી હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું. પેલેસનું વીજ જોડાણ છોટાઉદેપુરના રાજા જયપ્રતાપસિંહ ચૌહાણના નામે છે છતાં વીજ ચોરી થતી હોવાથી વીજ કંપનીએ 16.56નો દંડ ફટકાર્યો છે. પેલેસના રાજા દ્વારા જ વીજ ચોરી કરાતી હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
2 ફેબ્રુ.એ ઝડપેલ વીજ ચોરી બદલ ગુરુવારે દંડ ફટકારાયો
કુસુમ વિલાસ પેલેસમાંથી ગઇ તા.2 ફેબ્રુઆરી 2023ના રોજ MGVCL ની ટીમોએ વીજ ચોરી ઝડપી હતી. પેલેસમાં થ્રી ફેજ રેસિ.નું વીજ જોડાણ હતું. જેમાં પોલ ઉપરથી ડાયરેક્ટ વાયર નાખી મીટર બાયપાસ કરી વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આથી 2 માર્ચે રૂા.16.56 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. > જીજ્ઞાસુ દરજી, ના. ઇજનેર, ગુજરાત વીજ કં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.