ભાસ્કર વિશેષ:નુકસાનનો ચિતાર મેળવવા કોંગ્રેસના પ્રતિનિધિ આવ્યા

પાવી જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખાના ખરાબી થઇ છે

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખાના ખરાબી થવા પામી છે ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિ અર્જુનસિંહ બામનીયાને છોટાઉદેપુર જિલ્લાના થયેલા નુકસાનનો ચિતાર મેળવવા મોકલવામાં આવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં 10 જુલાઈ, રવિવારના રોજ મેઘાએ મોટા પ્રમાણમાં ખાના ખરાબી નોતરી છે. બોડેલી તાલુકામાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં કમર સુધી તેમજ ગળા સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકોને પોતાના ઘરો છોડી પોતાના જીવ બચાવવા માટે નાસભાગ કરવી પડી હતી. પૂરની પરસ્થિતિના કારણે લોકોને રહેવા ખાવાની સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું હતું. તેમજ પારકા ઘરોમાં કે શાળાઓમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં વધુ વરસાદના કારણે થયેલા મોટા નુકસાનનો ચિતાર મેળવવા છોટાઉદેપુર લોકસભાના પ્રભારી તેમજ રાજસ્થાન સરકારમાં મંત્રી અર્જુનસિંહ બામણીયા ગુરુવારે જિલ્લામાં આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ કોંગ્રેસના અગ્રણી કાર્યકરો તેમજ નેતાઓ સાથે પાવીજેતપુર ખાતે મીટિંગ કરી જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

આ સમયે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિ તરીકે આવી અર્જુનસિંહ બામણીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ધીમી ગતિએ કામ કરી રહી છે તેમજ સમગ્ર નુકસાનનો સર્વે કરી દિલ્હી કોંગ્રેસ કમિટીમાં મોકલીશું ત્યાર પછી બનતી જેટલી મદદ થશે તે કરીશું તેમ વચન આપ્યું હતું.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર સાવ નિષ્ફળ છે, સર્વેની કામગીરી મોડી કરાઇ છે. બોડેલી ખાતે મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે તેમની સાથે ચર્ચા કરી હતી કે નુકસાન થયેલા પરિવારોને મોટા પ્રમાણમાં કેશડોલ મળે તેમજ ખેડૂતોને પણ તેમની ભરપાઈ થાય તેવું આયોજન કરવામાં આવે, અને અધિકારીઓને હાથ છુટા રહે તે પ્રમાણેનો હુકમ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...