જાહેરનામાનો ભંગ:પાદરા તાલુકા સેવા સદનના મામલતદારના વિદાય સમારંભમાં કોવિડના નિયમોનો ભંગ

પાદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરામાં અજ્માયીશી મામલતદારના વિદાય સમાંરભમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતો ફોટો વાયરલ થયો હતો. - Divya Bhaskar
પાદરામાં અજ્માયીશી મામલતદારના વિદાય સમાંરભમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતો ફોટો વાયરલ થયો હતો.
  • કાર્યક્રમમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થયેલા લોકોના ફોટા વાયરલ થયા
  • પોલીસ કાર્યવાહી કરવા લોકમાગ ઉઠી

પાદરા તાલુકાના પ્રથમ નાગરિક પર તાલુકા સેવા સદનના મામલતદારના વિદાય સમાંરભના ફોટો વાયરલ થવા પામ્યા હતા. વિદાય સમારંભમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈન કોવિડ-19ના જાહેરનામાનો ભંગ કરતો ફોટો વાયરલ થતાં શહેર તાલુકામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધારે તેવી લોકમાગ ઉભી થઈ છે.એક બાજુ સરકાર કોવિડ નિયમોનું પાલન કરવા લોકોને સતત રજૂઆતો કરી રહી છે. તો બીજી બાજુ માસ્ક વગરના લોકોને પોલીસ દ્વારા રૂા. 1000નો દંડ પણ આપવામાં આવે છે.

ત્યારે બીજી બાજુ પાદરામાં સરકારી બાબુઓ જ કોવિડ નિયમોના ધજાગરા ઉડાડતા ફોટો વાયરલ થયા છે. તેને કારણે હવે લોકો અને નેતાઓમાં પણ રોસ ભભૂકી ઊઠયો છે. પાદરા મામલતદાર કચેરી ખાતે નાયબ અજમાયસી કલેક્ટર રિદ્ધિ રાજ્યગુરુનો વિદાય સમારંભ શુક્રવારે યોજાયો હતો. જેમાં છડેચોક કોવિડ નિયમોના ધજાગરા ઉડાડતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. રિદ્ધિ રાજ્યગુરુ સાથે કેટલાક કર્મચારીઓએ ખુલ્લા મોઢે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા ફોટા પડાવ્યા અને તે ફોટા હવે પાદરામાં વાયરલ થઇ રહ્યા છે. જેની સામે સ્થાનિક નેતાઓ અને લોકોએ કાર્યવાહીની માગ કરી છે.

એક બાજુ કોવિડ નિયમોનું પાલન કરવા સરકાર સતત લોકોને અરજ કરી રહી છે. ત્યારે બીજી બાજુ સરકારી વિભાગના મુખ્ય અધિકારીઓ જો આ પ્રકારના કોવિડના નિયમોના ધજાગરા ઉડાવશે તો પ્રજા કઈ રીતના શીખ લેશે? તે પણ એક વિષય ચર્ચાય રહ્યો છે. ત્યારે સ્થાનિક નેતાઓએ અને સ્થાનિક લોકોએ આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કરતા કાર્યવાહીની માગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે પાદરાની આજ મુખ્ય કચેરીમાંથી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ નિયમોનું પાલન કરવા માટે મીટિંગો યોજી આદેશો તેમજ સલાહ આપવામાં આવે છે. ત્યારે આ સ્થિતિમાં વાડ જ ચીભડા ગળે તો દોષ કોને દેવો? ત્યારે હવે આ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે કે પોલીસના હાથ થથડે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...