પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહે બે દિવસ પરંપરાગત ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો આપતી અને હિંદુ મુસ્લિમની એકતા સ્વરૂપ 355 વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરા ઠાકોર સાહેબના વંશજોએ આજે પણ ચાલુ રાખી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
મર્હુમ સજ્જાદા નસીન પીર સૈયદ કયામુદ્દીન ચિસ્તી મોટા મિયા ચિસ્તી સાહેબ ઘેર ઘેર ગાય પાળો અને એકસંપ અને ભાઈચારાનો બોધ આપતા હતા. એકલબારામાં હજરત શાહ દાદા કયામુદ્દીન બાવા ચિશ્તીનો બે દિવસીય ઉર્સ મેળો સંપન્ન થયો હતો.
આ પ્રસંગે હાજીપીર સૈયદ કદીરૂદ્દીન કયામુદ્દીન ચિશ્તી સાહેબ માંગરોલ તેમજ એકલબારાની ગાદીવાળાની હાજરીમાં જનાબ સૈયદ પીર રફીકુદ્દીન ચિસ્તી માંગરોલની ગાદીવાળા ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાદરા તાલુકાના મહી કાંઠા વિસ્તારમાં મહી નદીના તટે આવેલ એકલબારામાં 355 વર્ષ જૂની કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહ આવેલી છે. હજારોની સંખ્યામાં હિંદુ મુસ્લિમ બિરાદરો અહીંયા આવે છે અને બાવાની દુઆનો લાભ લે છે. આ દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક સમાન ગણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.