પાદરા તાલુકામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની લુણા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8ના વર્ગો ચાલે છે. જેમાં એક આચાર્ય અને નવ શિક્ષકો ફરજ બજાવે છે. એમાં કુલ 354 બાળક અભ્યાસ કરે છે. સરકારી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ શાળાના આચાર્ય મિલખે વારંવાર વિવાદો ઊભા કરતા હોઇ બાળકોને મારવાની ગંભીર ઘટના બની હતી. બનેલી ઘટનામાં શાળાના બાળકો શાળામાંથી પોતાના ઘરે ગયા બાદ ઘરના ચોગાનમાં રમતા હતા.
શાળા સમય બાદ બાળકો ફળિયામાં બહુ જ અવાજ કરે છે તેવી ફરિયાદ આચાર્ય ગજાનન મિલખેને થતાં બાળકોને સમજાવવાને બદલે તે એકદમ ઉશ્કેરાઈ બાળકો શાળામાં પ્રવેશ્યા કે તરત જ મિલખેએ બાળકોને પ્રાર્થના પણ કરવા ન દીધી અને ઓફિસમાં બોલાવી ઉપરા છાપરી તમાચા ઝીંકી લાકડી લઈને માર મારવાનું ચાલુ કર્યું. બાદમાં બાળકો ગભરાઈ જતાં તેઓને તેમના વર્ગમાં મૂકી ગયા. શાળા છૂટ્યા બાદ બાળકો ઘરે ગયા. દરમિયાન શાળાનો વિદ્યાર્થી જયદીપ પૂનમ પઢીયાર જેને 100 ઉઠબેસ કરાવેલ તે લથડીયા ખાતો ઘરે પહોંચ્યો ત્યારે તેના વાલીને ખબર પડતાં તેમણે અન્ય બાળકોને પૂછતાં જાણવા મળ્યું કે શાળાના કેટલાક બાળકોને પણ આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે.
આ બધા વાલીઓ ભેગા થઈ પાદરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા ગયેલા જ્યાં મીડિયા કર્મીએ બાળકો અને વાલીઓના ઇન્ટરવ્યૂ લેતાં એક બાળકના વાલીએ જણાવેલ કે શાળાના આચાર્ય મિલખે દ્વારા શાળાની મહિલા કર્મીઓને પણ હેરાન કરે છે. આજે મારા બાળકને 100 ઉઠ બેસ કરાવીને સોટી વડે ઢોર માર માર્યો છે. જો આ બાબતે કોઈ પગલાં પોલીસ ખાતા કે શિક્ષણ ખાતા તરફથી નહિ લેવાય તો ગાંધીનગર જઈને સરકારમાં રજૂઆત કરવી પડશે.
મેં માત્ર બાળકોને ઠપકો આપ્યો, માર્યા નથી
શાળા સંકુલમાં લાલભાઈ નામની વ્યક્તિને બાળકો ખીજવતા હોવાથી તેઓ દ્વારા મને રજૂઆત થઇ હતી. તેના આધારે મેં માત્ર બાળકોને ઠપકો આપ્યો હતો. માર્યા નથી કે ઉઠક બેઠક કરાવી નથી. શાળા સંકુલ પાસે પાન પડીકીનો ગલ્લો ધરાવતા જાદવ અરવિંદને મેં અનેકવાર રજૂઆત કરી હતી કે સ્કૂલની બહાર પડીકી સિગારેટ ના વેચીશ. બાળકોને ખોટી અસર પડે છે. જેની રીસ રાખી જાદવ અરવિંદ દ્વારા વાલીઓને ઉશ્કેરી મીડિયા બોલાવી ખોટો સ્ટંટ ઊભો કરાયો છે. - ગજાનન મિલખે, આચાર્ય
અમારા ફળિયાના 7 છોકરાને માર્યા છે
લાલજીભાઈ અમારા ફળિયાના છે જેમના કોઈ છોકરા શાળામાં ભણતા નથી પરંતુ ફળિયામાં છોકરા રમે તે એમને ગમતું નથી અને તેની રજૂઆત શાળાના આચાર્યને કરતાં અમારા ફળિયાના 7 છોકરાઓને મારવામાં આવ્યા છે અને ઉઠક બેઠક કરાવવામાં આવી છે. શાળામાં ધમાલ મસ્તી કરે તો સમજ્યા કે મારે પરંતુ ફળિયામાં રમે અને કોઈને ના ગમે ને આચાર્યને કહે તો સજા કેવી રીતે આપી શકે? અને એવું હોય તો આચાર્યે પહેલાં વાલીને બોલાવવા જોઈએ નહીં કે મારવા જોઈએ. - કનુ પઢિયાર, વાલી
મહિલા કર્મીઓને ત્રાસ આપ્યાની પણ ફરિયાદ
આચાર્ય ગજાનન મિલખે શાળાના મહિલા કર્મચારીઓને માનસિક ત્રાસ આપતા હતા, જેને લઈને તેમણે પોલીસતંત્ર અને શિક્ષણમાં ઉચ્ચ સ્તરે ફરિયાદો કરી હતી, પરંતુ પોતાની લાગવગના જોરે આ ફરિયાદો સામ-દામ-દંડ... દ્વારા દબાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.