પાદરાના કૃષ્ણ કોમ્પલેક્ષમાં નોટરીના ડુપ્લિકેટ સહી સિક્કા કરનાર વાવાઝોડા ઝેરોક્ષ એન્ડ લેમિનેશનની દુકાન ધરાવતા તુષાર પારેખ સામે પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તુષાર પારેખની ધરપકડ કરી પાદરા પોલીસે ગુનામાં વપરાયેલા કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પાદરા એસટી ડેપોની પાછળ આવેલ કૃષ્ણ કોમ્પલેક્ષમાં ઝેરોક્ષની દુકાન ધરાવતા સંદીપ પટેલના પિતા રજનીકાંત પટેલ એડવોકેટ એન્ડ નોટરી નામની ઓફિસ ચલાવે છે. જે નોટરી રજનીકાંત પટેલ વકીલ નોટરીની કોપી સ્કેન કરી ઉપયોગ કરી તે સહીવાળા સિક્કા સ્કેન કરી કોમ્પ્યૂટરમાં સેવ કરી એક શખ્સના ડ્રાઇવિંગ લાઇસન્સ પર પોતે સહી સિક્કા કરી પોતે નોટરી હોય તેમ અધિકૃત કરી છેતરપિંડી કરતા શખ્સ તુષાર પારેખ સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પાદરાના ઉષા કિરણ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય નોટરી વકીલના પુત્ર સંદીપ રજનીકાંત પટેલે પોલીસ ફરિયાદ આપતાં જણાવ્યું કે તેઓ પાદરા એસટી ડેપો પાછળ આવેલા કૃષ્ણ કોમ્પલેક્ષમાં દુકાન નંબર 4 દીપ ઝેરોક્ષની દુકાન ધરાવે છે તેઓએ જણાવ્યું કે તારીખ 5 ના સવારે આઠ વાગે દુકાનમાં મારા પિતા રજનીકાંત બેઠા હતા.
તે સમયે તુષાર પારેખે જે દીપ ઝેરોક્ષ નીચે પોતાની વાવાઝોડા ઝેરોક્ષ અને લેમિનેશન નામની દુકાન ધરાવે છે તેણે દીપ ઝેરોક્ષમાં આવી રજનીકાંત પટેલને જાણ બહાર નોટરીની કોપીના સહી સિક્કા સ્કેન કરી કોમ્પ્યૂટરમાં સેવ કરી લીધો હતો. એ પછી તેની દુકાને આવેલા એક અજાણ્યા ઈસમના ભાઈ સંજય શાંતિલાલ માળીનાં લાઇસન્સમાં તેઓ સહી સિક્કા કરવા અધિકૃત નથી તેમ જાણવા છતાં રજનીકાંત પટેલના નામની કોપીના સિક્કાવાળી ઈમેજથી કોમ્પ્યૂટર અને પ્રિન્ટ વડે કલર પ્રિન્ટ કાઢી સંજય શાંતિભાઈ માળીના ડ્રાઇવિંગ લાઇસન્સને ટ્રુ કોપી કરી ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી છે.
જે બાબતે નોટરી વકીલના પુત્ર સંદીપ રજનીકાંત પટેલ દ્વારા પાદરા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ કરતાં ગુનો આચરનાર તુષાર પારેખના દુકાનમાંથી કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરી તુષાર પારેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ આ બાબતે આરોપીએ કેટલી જગ્યા ઉપર અમારી સહીનો ઉપયોગ કર્યો છે તે બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરાય તેવી માગ કરી છે. તેના આધારે પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.