પ્રવાસીઓ મૂંઝવણમાં:બનારસની હોટલમાં મૂકીને બસ-ડ્રાઇવર નાસી જતાં પાદરાના 50 પ્રવાસી અટવાયા

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાથી ગંગાસાગર 15 દિવસની ધાર્મિક ટૂર માટે નીકળેલા 50 જેટલા પ્રવાસીઓને ખાનગી સંચાલકના બસના ડ્રાઈવરે બનારસમાં રાત્રે હોટલમાં મૂકી નાસી જતાં મુસાફરો બનારસમાં અટવાઈ ગયા હતા. - Divya Bhaskar
પાદરાથી ગંગાસાગર 15 દિવસની ધાર્મિક ટૂર માટે નીકળેલા 50 જેટલા પ્રવાસીઓને ખાનગી સંચાલકના બસના ડ્રાઈવરે બનારસમાં રાત્રે હોટલમાં મૂકી નાસી જતાં મુસાફરો બનારસમાં અટવાઈ ગયા હતા.
  • પાદરાના પ્રવાસીઓ ખાનગી બસમાં ગંગાસાગર ટૂર પર નીકળ્યા હતા
  • ટૂર-આયોજક, ટ્રાવેલ-સંચાલક અને ડ્રાઈવર વચ્ચે ખટરાગ થતાં ભાગી ગયો

પાદરાથી ગંગાસાગર 15 દિવસના પ્રવાસે નીકળેલા આશરે 50 જેટલા પ્રવાસીઓ બનારસમાં અટવાયા હતા. ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનારસની એક હોટલમાં વિસામો કરવા રોકાણ આપ્યા બાદ ડ્રાઈવરે તમામ પ્રવાસીઓના લગેઝ હોટલની રૂમમાં મુકી મોડી રાત્રે ફરાર થઈ ગયો હતો. જેને લઇ પ્રવાસીઓ અટવાયા હતા.પાદરાથી ગત તારીખ 20 એપ્રિલના રોજ મહાકાળી યાત્રા પ્રવાસ દ્વારા 15 દિવસય ટુરનું આયોજન કરવામાં આવેલ હતું.

જે ટૂરમાં સિનિયર સિટિઝનો સહિત આશરે 50 જેટલા લોકો ટૂરમાં જોડાઈ ધાર્મિક પ્રવાસ સ્થળો ગંગાસાગર, સેંગાવ, ચંપારણ, જગન્નાથ પુરી, બનારસ, ચિત્રકૂટ, અલ્હાબાદ, ઉજ્જૈન જેવા ધાર્મિક સ્થળોએ પ્રવાસ માટે નીકળ્યા હતા. પ્રવાસીઓ યાત્રા કરી 5 મેના રોજ પરત પાદરા આવવાના હતા.

જેમાં ગત રોજ ટૂરના આયોજક કમલેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમજ ખાનગી ટ્રાવેલ્સ સંચાલક અને ડ્રાઈવર સાથે ખટરાગ થતાં લક્ઝરી ડ્રાઇવર તમામ પ્રવાસીઓને બનારસની એક હોટલના રાત્રિ રોકાણ દરમ્યાન મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે લક્ઝરી ડ્રાઈવરે પ્રવાસીઓના બસની અંદર મૂકેલા બિસ્તરા લગેજ હોટલ એક રૂમમાં ભેગા કરી મૂકી દીધા હતા અને મોડી રાતના મા કૃપા નામની ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઇવર આયોજક તેમજ પ્રવાસીઓને જાણ કર્યા વિના નાસી ગયો હતો. જેને લઇ વહેલી સવારે ખાનગી લક્ઝરી બસને ના જોતા પ્રવાસીઓ મુઝવણમાં મુકાયા હતા અને અટવાયા હતા.

ડ્રાઈવર દ્વારા શરૂઆતથી જ હેરાનગતિ કરવામાં આવતી હતી
વહેલી સવારે 4 વાગે ઉઠ્યો ત્યારે લક્ઝરી બસ ના જોતા તપાસ કરતા બસ ડ્રાઈવર પ્રવાસીઓના લગેજ હોટલમાં મૂકીને ફરાર થઈ ગયો હોવાની જાણ થઈ હતી. માં કૃપા ટ્રાવેલ્સના સંચાલકને સમયાંતરે ભાડું, ડીઝલ સહિત ટેકસના રૂપિયા પણ અમોએ આપેલ છે. તેમ છતાં શરૂઆતથી જ ડ્રાઈવર દ્વારા હેરાન ગતી કરવામાં આવતી હતી. કાયદેસરની કાર્યવાહી કરીશું. - કમલેશ પટેલ, ટૂર આયોજક

મા ટ્રાવેલ્સના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું
ગંગા સાગરથી બનારસ રિટર્ન આવતા બનારસમાં રાત્રિ રોકાણ દરમ્યાન હોટલમાં વિસામો હતો. ત્યાં બધા પ્રવાસીઓ રોકાયા હતા. બધા પ્રવાસીઓના સમાનને બસમાંથી બહાર કાઢી ડ્રાઈવર નાસી ગયો છે. પ્રવાસના બીજા, ત્રીજા દિવસથી જ ડ્રાઈવરનો કકળાટ હતો. જેમાં અમો પ્રવાસીઓના સામાનમાં રૂપિયા, સાડીઓ સહિત અન્ય ખરીદ કરેલ ચીજ વસ્તુઓ હતી તેમાં પણ ચોરી થઈ છે. માં ટ્રાવેલ્સના સંચાલક વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. - શીતલબેન ગાંધી, પ્રવાસી