વિઘ્નહર્તાને વિદાય:શ્રીજી ભક્તોનો નાદ ‘અગલે બરસ તુ જલ્દી આ’

પાદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાઓનું દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પાદરામાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાઓનું દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.
  • વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં દશ દિવસના આતિથ્ય બાદ શ્રીજીને ભાવસભર વિદાય

વડોદરા અને છોટાઉદેપુૃર જિલ્લામાં દશ દિવસના આતિથ્ય બાદ આજે શુક્રવારે શ્રીજીને શ્રદ્ધાસભર વિદાય આપવામાં આવી હતી. વહેલી સવારથી ઘરમાં સ્થાપન કરાયેલા શ્રીજી સાથે યુવક મંડળોની શ્રીજી સવારીઓએ ભક્તિના માહોલ સાથે ગણપતી બાપા મોરિયાના અગલે બરસ તુ જલ્દી આના કોલ સાથે બાપાને વિદાય આપી હતી.

પાદરા વડુ પંથકમાં દસ દિવસના આતિથ્ય માન્યા બાદ શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. પધારેલા વિઘ્નહર્તા દેવની ભવ્ય વિસર્જન શોભાયાત્રાઓ ઢોલ નગારા, ડીજેના તાલે અને અગ્લે બરસ તું જલદી આનાના નાદ સાથે નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી.​​​​​​​ દુંદાળા દેવની વિવિધ નાના મોટી સ્વરૂપની 500 ઉપરાંત પ્રતિમાઓને વિદાય આપતા વેળા ભક્તો ભવુક થયેલા નજરે પડ્યા હતા.પાદરામાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાંથી પરંપરાગત રીતે શ્રીજીની યાત્રાઓ એક પછી એક અનેક વાહનોમાં નીકળી હતી.

બોડેલી : શ્રદ્ધાભેર શ્રીજીને વિદાય
બોડેલી નગરમાં દસ દિવસનુ મોંઘેરું આતિથ્ય માણ્યા પછી ગણપતિ બાપ્પાને અનંત ચૌદસના દિવસે ભાવભીની વિદાય આપવા અગલે બરસ તું જલ્દી આ ના વચન સાથે બાપ્પાની પ્રતિમાઓનુ શ્રદ્ધા સાથે વિસર્જન કરાયું હતું. કોરોનાના બે વર્ષ પછી નીકળેલી વિસર્જન યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ ઓરસંગ નદીમાં નાની પ્રતિમાઓનુ વિસર્જન શરૂ થયું હતું. જ્યારે બપોર પછી બોડેલીમાં તમામ શ્રીજીની સવારીઓ નીકળતા વિસર્જન યાત્રાને લીધે માહોલ ગણેશ મય બન્યો હતો. બોડેલી, ઢોકલિયા, અલીપુરા અને ચાચક વિગેરે વિસ્તારમાં નાની મોટી મળીને લગભગ 50 જેટલી શ્રીજીની પ્રતિમાઓ એક સાથે વિવિધ સ્વરૂપે જોવા માટે લોકો ઉમટ્યા હતાં.

ડેસર : ભક્તિનો માહોલ છવાયો
શ્રીજીને વિદાય આપવા માટે મેઘરાજાએ પણ પધરામણી કરી હતી અને શ્રીજીની યાત્રામાં નીકળેલા ભક્તોને તરબોડ કર્યા હતા. દસ દિવસનું આતિથ્ય બાદ આજે અનંત ચતુર્દશીએ તા 9 સપ્ટેમ્બર બપોરે વિઘ્નહર્તાને દબદબાભેર વિદાય આપવામાં આવી હતી. સવારથી શ્રીજી ભક્તો તડામાર તૈયારીઓને આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા. વાજતે ગાજતે શ્રીજીને બેસરના અનેક વિસ્તારોમાં તમામ પંડારોના શ્રીજીની સવારી રંગે ચંગે નીકળી હતી. તમામ માર્ગો ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જયઘોષ સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે માર્ગો રંગે બેરંગી બન્યા હતા. ગણપતિ વિસર્જનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે બાપાની શોભાયાત્રા નીકળી હતી.

સંખેડા : યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત
સંખેડા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થયું હતું. સંખેડા અને બહાદરપુર ગામના 25થી વધુ ગણપતિજીનું પ્રતિમાનું સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં વિસર્જન કરાયું હતું. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચા વર્ષી લૌકર્યાના નારા સાથે શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિનું ઓરસંગ નદીમાં વિસર્જન કરાયું હતું. ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા સંખેડાના કુશળ તરવૈયાઓ નદીએ હાજર રાખ્યા હતા. સંખેડા અને બહાદરપુર ગામના મુખ્ય બજારમાં વિવિધ યુવક મંડળો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી. ગણેશ વિસર્જન ટાણે પોલીસ દ્વારા પણ સતત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

ચાંણોદ : નર્મદામાં શ્રીજીનું વિસર્જન
ભાદરવા સુદ ચોથથી ઠેર ઠેર શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દસ-દસ દિવસથી ભાવિકો દ્વારા પૂજા અર્ચના આરતી જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા દાદાના આતિથ્ય થયા બાદ શુક્રવારના રોજ ભાદરવા સુદ ચૌદશને અનુલક્ષી ચાંદોદ સહિત પંથકના ગામો તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએથી વહેલી સવારથી જ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઢોલ ત્રાસા અને ડીજેના સથવારે ગણેશજીની સવારીઓનું આગમન શરૂ થયું હતું. ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટે ભક્તિ ભાવ પૂર્વક આરતી બાદ નાવડીઓ દ્વારા નર્મદાજીના મધ્ય પ્રવાહમાં જઈ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...