વિવાદ:પાદરા તા.ના પ્રા. શિક્ષકો પાસે વિવિધ હુકમો માટે નાણાં ઉઘરાવાતાં આશ્ચર્ય

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટિકર અને સ્કેનિંગના બહાને રૂા. 3 લાખ વાપરી કાઢ્યા હોવાનો આક્ષેપ
  • ફંડ કોની મંજૂરીથી ઉઘરાવાયું તેની તલસ્પર્શી તપાસ કરવા માગ

પાદરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો પાસે 9/20/31ના હુકમો માટે નાણાં ઉઘરાવાતાં આશ્ચર્ય સર્જાયું હતું. પાદરા તાલુકાની તત્કાલીન ટીપીઈઓ મહેશભાઈ પ્રજાપતિના કાર્યકાળ દરમિયાન દર માસે ઉચ્ચતર પગાર ધોરણના હુકમો આપવાના થતા હતા. તેના માટે દર બે માસે લાભાર્થી શિક્ષકોને એક જગ્યાએ એકત્ર કરવામાં આવતા અને હુકમોનું વિતરણ કરાતું હતું. છેલ્લે જાન્યુઆરી 2021ના સમયગાળામાં મહેશભાઈ દ્વારા મુજપુર, કરખડી અને તાજપુરા ખાતે ઉચ્ચ પગાર ધોરણ હુકમો વિતરણ કેમ્પ રાખવામાં આવેલો હતો. જેમાં તાલુકા સંઘના હોદ્દેદારો અને જિલ્લાસંઘના હોદ્દેદારો બિપિન પટેલ, મહામંત્રી જૈમીન પટેલને હાજર રાખ્યા હતા.

સાથો સાથ પાદરા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો બિપિન પટેલ, રાહુલ પટેલ અને ચિરાગ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ટીપીઈઓ મહેશ પ્રજાપતિ હાજર હોવા છતાં શિક્ષકો પાસે નાણાં ઉઘરાવાયા હોવાનું બહાર આવ્યું છે. આ ફંડ ફાળા શૈક્ષિક સંઘના હોદ્દેદારોની હાજરીમાં ઉઘરાવેલ છે. ઉપરાંત તાજપુરા શાળા ખાતે મંત્રી રાજુભાઇ પટેલ નોકરી કરતા હોઇ તેઓએ દબાણ કરાવીને ફાળો ઉઘરાવેલ છે.આ બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પાદરા એકમના અધ્યક્ષ રાહુલ પટેલ અને જિલ્લા હોદ્દેદાર બિપિન પટેલ દ્વારા એક પત્ર લખીને ઉચ્ચઅધિકારીઓને જણાવેલ છે કે તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા રૂા. 3 લાખ સ્ટિકર અને સ્કેનિંગના બહાના તળે વાપરી કાઢેલ છે.

ઉપરાંત તાજપુરા ખાતે પ્રાથમિક શિક્ષકસંઘના મંત્રી રાજુભાઇ દ્વારા જે ફંડ ઉઘરાવાયું છે તે ફંડ સત્વરે શિક્ષકોને પરત કરવાની માંગ છે. આ ફંડ કોની મંજૂરીથી ઉઘરાવાયું છે તેની તલસ્પર્શી તપાસની પણ માંગ કરી છે. ઉપરાંત ક્રેડિટ સોસાયટીમાં ગાડી ન હોવા છતાં ગાડીના નામે પેટ્રોલ એલાઉન્સ નામે લાખો રૂપિયાનો ખર્ચ પાદરા મંડળીમાં થાય છે તે બાબતની પણ ઉચ્ચ કક્ષાએ તપાસની માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...