પાદરાના પ્રાણ પ્રશ્ન અને અકસ્માતોનો વણઝાર ગણતા પાદરા - જંબુસર હાઇવેને ફોર લેન કરવા મંજૂરી મળી હોવાની જાહેરાત પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના 2022-23ના બજેટ સત્રમાં પાદરા જંબુસર રોડને માર્ગ અને મકાન મંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં 193 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હોવાનો પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા દાવો કરવામાં આવ્યો. તથા માર્ગ અને મકાન મંત્રી દ્વારા બને એટલું વહેલું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પાદરા જંબુસર ફોર લેનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વારંવાર પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા વિધાનસભામાં સતત સાડા ચાર વર્ષથી પાદરા જંબુસર રોડને ફોર લેન કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તથા આંદોલનો પણ ઘણા થયા છે. પાદરાના કોંગ્રેસ કાર્યકરો તથા જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત મીડિયાના માધ્યમથી આંદોલન કરી સરકાર સુધી આ રોડને ફોર લેન બનાવવો અતિ મહત્વ હોવાની વાત પહોંચાડી છે. મીડિયા દ્વારા પણ અનેક વખત પાદરા જંબુસર ફોર લેન રોડના ઘણા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે આખરે પાદરાની જનતાની આતુરતાનો અંત આવી ગયો અને ગુજરાત સરકાર દ્વારા પાદરા જંબુસર ફોર લેન રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ફોરલેનની મંજૂરી મળતાં હવે વારંવાર થતા અકસ્માતોથી લોકોને રાહત થશે. ખાસ કરીને તાલુકાના અનેક ગામોના રહીશોને પડતી મુશ્કેલી હળવી બનશે. સમગ્ર મામલે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા એક મિટિંગનું આયોજન પોતાના કાર્યાલય ખાતે કરાયું હતું. જેમાં તેમણે ફોર લેન રોડની મંજુરીના સમાચાર કાર્યકરોને જણાવ્યા હતા. બાદ પાદરા નગર તથા તાલુકાના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પાદરા-જંબુસર ફોર લેન રોડ મંજૂર કરવામાં આવતાં અને તર્ક વિતર્ક સર્જાયા
એમ જોવા જઈએ તો પાદરા જંબુસર રોડ અનેકવાર બનાવવાની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ઉલેખનિય છે કે 2017ની વિધાનસભા પહેલા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર મંચ પરથી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ વખત તો વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મંજૂર કરવામાં આવી રહ્યો છે. તો ચોકસપણએ બનશે એવું લાગી રહ્યું છે. પરંતુ 2022ની વિધાનસભા પહેલા પાદરા જંબુસર ફોર લેન રોડ મંજૂર કરતા અને નગરના લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.