નુકસાન:એકલબારામાં ઔદ્યોગિક એકમોની ઓછી આકારણી કરાતા ગ્રામ પંચાયતને નુકસાન

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને સરપંચે ફેક્ટરી સંચાલકોને ફાયદો કરાવ્યો હોવાનો RTIમાં ઘટસ્ફોટ થયો

પાદરા તાલુકાના એકલબારા ગ્રામ પંચાયતે ઔદ્યોગિક એકમોની (ફેક્ટરી) ઓછી આકારણી કરતા પંચાયતને નુકસાન થવા પામ્યું હતું.પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં આવેલ ઔદ્યોગિક એકમો (ફેક્ટરી)ઓની આકરણીમાં ગોલમાલ કરી બાંધકામ કરતા ઓછી તથા નિયમ વિરુદ્ધની આકરણી કરી જે તે પંચાયતે માલિકોને લ્હાણી કરી આપી પંચાયતને ગંભીર આર્થિક નુકસાન પહોંચાડ્યાનું અને કેટલીક કંપનીઓનું બાંધકામ બિનપરવાનગીનું હોવાની હકીકત આરટીઆઈની માહિતીમાં બહાર આવી હતી.

આરટીઆઇમાં મળેલ માહિતીમાં તલાટી અને સરપંચે ફેક્ટરી સંચાલકોને ફાયદો કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો.પાદરા તાલુકામાં એકલબારા ગામમાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં આવતા સદર ગામની સીમમાં ફેક્ટરીઓનું વિશાળ શ્રેણીમાં બાંધકામ થયું છે અને તેમાંથી મોટાભાગની ફેક્ટરીઓ હાલમાં ચાલુ છે. પંચાયતની હદમાં આવતા તમામ બાંધકામ પર નક્કી કરેલ માપદંડ મુજબ પંચાયત દ્વારા આકારણી કરવામાં આવતી હોય છે. જેની મોટી આવક પંચાયતની સધ્ધરતાં અને ગામના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવે છે.

એકલબારા ગામની સીમમાં વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુંના બાંધકામ ઠેરઠેર જોવા મળે છે. છતાં તેના પ્રમાણમાં પંચાયતમાં આવક નહીં જણાતા અને કેટલીક જગ્યાએ આડેધડ બાંધકામ થતાંની જાણ થતા પરેશ ગાંધી (રામ) પાદરાનાઓએ આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. જેમાં બહાર આવેલ વિગતોમાં કેટલાક બાંધકામની આકારણી આજદિન સુધી કરવામાં નહીં તેવું પણ જાણવા મળે છે. વળી જેની આકારણી થયેલ છે તે બાંધકામ કરતાં ઘણી ઓછી અને નજીવી હોવાની હકીકતો પણ બહાર આવેલ છે.

ઔદ્યોગિક એકમોની આકારણી બાબતે પંચાયતે આપેલ નોટિસ કે ઔદ્યોગિક એકમોએ (ફેક્ટરી) પંચાયતને રજૂ કરેલ વેલ્યુએશન રિપોર્ટ તેમજ કેટલા પૈસા લેખે આકારણી કરવામાં આવી છે. તેની વિગતો પંચાયત પાસે આઢળ નહીં તેવું સોગંદનામું તલાટીએ આપી જણાવેલ છીએ. અને એક બાજુ પંચાયતે વર્ષ છેલ્લા પાંચ વર્ષમાં રૂ.77,77,005 આકારણી પેટે 12 ઔદ્યોગિક એકમોએ (ફેક્ટરી) પાસે વસૂલ કરેલ છીએ.

સરપંચ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી નિયમ વિરુદ્ધ પ્રકિયા કરી દસ્તાવેજી પુરાવા લીધા વગર મનસ્વીપણે આકારણી કરી આપી ફેક્ટરીઓના માલિકોને આર્થિક ફાયદો અને પંચાયતને ગંભીર આર્થિક નુકસાન પહોંચાડ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રકારના વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુના બાંધકામોની આકારણી જિલ્લા કલેક્ટર દ્ધારા ઝીણવટભરી તપાસ કરી પુનઃ સમીક્ષા કરવામાં આવે તો પંચાયતની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેમ છે અને કસુરવાર સામે આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.