તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાદરામાં 70 લાખના ખર્ચે પ્રતિ મિનિટ 830 લિટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે રાજપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
પાદરાની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે રાજપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
  • પાદરાની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે રાજ્યપાલના વરદ હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
  • કોરોના સામેની લડાઈમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા કિરી ઇન્ડસ્ટ્રિઝના સૌજન્યથી પ્લાન્ટ સ્થાપિત કરાયો

પાદરા-જંબુસર રોડ પર ડભાસા નજીક આવેલ ક્રોસ રોડ હોસ્પિટલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કિરી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અંદાજીત 70 લાખના ખર્ચે પ્રતિ મિનીટ 830 લીટરની ક્ષમતાનો પ્લાન્ટ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.

પાદરા ખાતે આવેલા રાજ્યપાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે 40 હજાર બેડની અને હાલમાં અગમચેતીરૂપે 1 લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે. કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ. લોકો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા ઓક્સિજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. તકેદારીરૂપે બાળકોની કોરોનાથી સુરક્ષા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, લોકોએ કોરોના એક ઘાતક અને અજાણી બીમારી રૂપે શરૂ થયો ત્યારે યશસ્વી પ્રધાનમંત્રીના દિશા નિર્દેશોનું પાલન કર્યું હતું. સંતો, સમાજસેવીઓ,ધાર્મિક અને સામાજિક તથા સેવા સંસ્થાઓ અને નાગરિક સંગઠનોની સાથે ઉદ્યોગ ગૃહોએ પણ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું છે. એમનું ભામાશા કર્તવ્ય ધન્યવાદને પાત્ર છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસ રોડ હોસ્પિટલના પરિસરમાં રૂ.70 લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. કોરોના કટોકટીમાં ઓક્સિજનના અવિરત પુરવઠાની ખાતરી આપતો આ પ્લાન્ટ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલે હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે કહ્યું કે, યુવા અન સ્ટોપેબલ સંસ્થાને સાથે રાખીને રાજભવન દ્વારા લોક સહયોગથી 1 લાખ પાયાના કોરોના વોરિયરની ઓળખ કરીને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે. 150 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 5 ઓક્સિજન પ્લાન્ટ જેવી વ્યવસ્થાઓ સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કરવામાં આવી છે. અમે સંતો મહંતોની બેઠક પણ યોજી હતી. આ ધર્મ સુકાનીઓ એ પણ ભોજન ભંડારા, કોવીડ કેર સેન્ટર,દવા વિતરણ જેવી વ્યવસ્થાઓ દ્વારા વ્યાપક યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે ક્રોસરોડ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.અમરનાથ ગુપ્તાએ રાજ્યપાલના આચાર્ય, શિક્ષણશાસ્ત્રી સહિતની બહુઆયામી વ્યક્તિત્વનો પરિચય આપવાની સાથે સહુને આવકાર્યા હતા. હોસ્પિટલના એમ.ડી.નયના પટેલે રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું.સખાવતી કિરી ઉદ્યોગ સમૂહના એમ.ડી.મનીષ કિરીને રાજ્યપાલે જન સેવાની પહેલો માટે ખાસ બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ રાજ્યપાલને કાર્યક્રમ સ્થળે આવકાર્યા હતા. કિરી ઉદ્યોગ સમૂહ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...