પાદરા નગરના પી.આઈ સંતોષ ધોબીને તાત્કાલિક અસરથી કરજણ સીપીઆઈ તરીકે બદલી કરાતાં તાલુકા અને નગરની જનતામાં આક્રોશ ફેલાયો હતો. કોઇ રાજકીય સંગઠનના જોરે સંતોષ ધોબીની બદલી કરાવાઇ હોવાની આશંકા સાથે શહેરમાં રોષ ફાટી નીકળ્યો છે. આના પડઘા આગામી વિધાનસભામાં પડે તો નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે, પાદરા પોલીસ સ્ટેશન પી.આઈ એસ.ડી. ધોબીની બદલીની માગ સાથે પાદરા શહેર અને તાલુકાના ભાજપાના સંગઠનના હોદ્દેદારો પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. વારંવાર અપમાનિત કરી અભદ્ર ભાષા વાપરી ગેરવર્તણૂક કરતા હોવાની ફરિયાદ જિલ્લા પોલીસવડા સમક્ષ ભાજપાના હોદ્દેદારોએ કરી હતી અને જો બદલી કરવામાં નહીં આવે તો શહેર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો સામૂહિક રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પાદરા તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝંખનાબેન પુરોહિત વિરુદ્ધ ટીડીઓએ લેખિત રજૂઆત કરી ફરજ પરથી મુક્ત કરવા આવેદનપત્ર આપ્યું ત્યારે કોઈ ઈસમો દ્વારા તેમને ધાક ધમકી અપાઇ હોવાની વાત જણાતાં ભાજપા હોદ્દેદારોએ હોબાળો મચાવ્યો હતો. તે સમયે પાદરા પી.આઈ. ધોબી સહિત પોલીસ સ્ટાફે તમામને છૂટા પડી જાઓનું કહ્યું હતું.
હોદ્દેદારોએ પીઆઈ ધોબી દ્વારા કરાયેલ ગેરવર્તણૂકની રજૂઆત જિલ્લા એસપી સમકક્ષ કરી બદલીની માગ કરી હતી. આ ઉગ્ર રજૂઆતને પગલે મંગળવારે વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદે તાત્કાલિક અસરથી પીઆઇ ધોબીની બદલી કરી હતી. જોકે આ બદલીથી પાદરા નગર અને તાલુકાની જનતામાં આક્રોશ ફેલાયો હતો. કારણકે નગર અને તાલુકાજનો પીઆઇની કામગીરીથી પ્રભાવિત હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.