પાદરાના લુણા ગામે બાળકોને શાળામાં માર મારનાર પ્રા. શાળાના આચાર્યની સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાદરા તાલુકાની લુણા પ્રા. શાળાના આચાર્ય ગજાનન અજબરાવ મિલખે દ્વારા તા. 5 એપ્રિલના રોજ શાળા શરૂ થવાના સમયે બાળકો શાળામાં પ્રવેશ્યા કે તુરત જ ઓફીસમાં બોલાવી ઉઠક બેઠક કરાવી ફળિયામાં જઈને ધમાલ કેમ કરો છો? તેમ કહીને ઢોર માર માર્યો હતો. આ બાબતની જાણ વાલીઓ અને સરપંચને થતાં તેઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી વડોદરાને રૂબરૂમાં કચેરીમાં જઈને રજૂઆત કરી હતી.
આ રજૂઆતના સંદર્ભે અર્ચનાબેન દ્વારા આ ગંભીર ઘટના હોવા છતાં તાલુકા પ્રા. શિ. અધિકારી વર્ષાબેન બારોટને તપાસ સોંપી. વર્ષાબેને પોતે રૂબરૂ સ્થળ તપાસ કરવાને બદલે બીટનિરીક્ષકનો ચાર્જ સંભાળતા જાસપુર શાળાના આચાર્ય ભૂમિકાબેન પટેલ અને કન્યાશાળાના આચાર્ય પ્રીતિબેન ચૌધરીને તપાસ સોંપી હતી. આ બંને મહિલા અધિકારી તપાસ અર્થે શાળામાં સવારે 9 કલાકે ગયા હતા. તપાસ શરૂ કરતાં ગ્રામજનોને બોલાવી જવાબ લેવાની શરૂઆત કરતાં તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થતાં ગ્રામજનોએ સીસીટીવી કેમેરાની માગ કરતાં તપાસ અધિકારી ભોંઠા પડ્યા હતા.
આ તપાસમાં પોલીસ પણ આવતા આરોપીઓમાં ગભરાટનો માહોલ ઊભો થયો હતો. તપાસ અધિકારી દ્વારા સીસીટીવી કેમેરાનો પાસવર્ડ ઇન્ચાર્જ આચાર્ય પાસે માગતાં તેઓએ નકારમાં જવાબ મળતા તપાસ અધિકારી વિમાસણમાં મુકાયા હતા. આચાર્ય મિલખેએ ચાર્જ આપ્યા વગર રજા ઉપર ગયા અને ઇન્ચાર્જ આચાર્યને કાઈ પણ પ્રકારની જાણ કરી ન હતી.
તપાસના અંતિમ ભાગમાં વાલીઓના આગ્રહ સામે તપાસ અધિકારીઓ ઝૂકી જતાં ટેલિફોન માધ્યમથી ભૂમિકાબેન પટેલ દ્વારા મિલખે પાસે પાસવર્ડ માંગી કેમેરા ઓપન કરતાં 5 એપ્રિલના ફૂટેજમાં આચાર્ય બાળકોને તેમની ઓફિસમાં બોલાવી ઉઠબેસ કરાવતા અને માર મારતા નજરે પડે છે. જે જોતાં જ તપાસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. આ વીડિયો ઉપરથી તપાસ અધિકારી આગળની તપાસ કરશે.
તપાસ અધિકારી દ્વારા તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ગ્રામજનો પાદરા તપાસ દરમ્યાન તપાસ અધિકારી દ્વારા પહેલા જવાબો લેવાની વાત થતાં ગ્રામજનોના ટોળાએ જાહેરમાં આક્ષેપ કરતા જણાવેલ કે તપાસ અધિકારી ભૂમિકાબેન પટેલ અને તેમની સાથે આવેલા અધિકારીની ભૂમિકા તપાસમાં ભીનું સંકેલવાના પ્રયાસો છે. બાળકના વાલી કનુભાઈ પઢીયાર દ્વારા જણાવાયું છે કે બે દિવસમાં નિર્ણય નહિ લેવાય તો બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરાશે. જેની જવાબદારી DPEO અર્ચનાબેન ચૌધરીની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.