તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીફ ઓફિસરે નોટિસ આપી:પાદરામાં શાળાના અધૂરા બાંધકામે બિલ ચુકવાયું

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપા મહામંત્રીની મુલાકાતમાં અનેક પોલ બહાર આવી
  • ગર્લ્સ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગમાં અધૂરું બાંધકામ જણાતાં ચીફ ઓફિસરે નોટિસ આપી

પાદરાની ચોક્સી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના નવીન બિલ્ડિંગ બાંધકામની ગુજરાત સરકાર દ્વારા SJMMSVY યોજના હેઠળ રૂપિયા 2 કરોડ 47 લાખ ગ્રાન્ટ ફાળવેલ હતી. જેમાં સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ. દ્વારા કરેલ કામગીરીની પાદરા નગર પાલિકાના શિક્ષણ સમિતિ ચેરમેન સંતોષ પટેલ અને પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામીએ અચાનક મુલાકાત લીધી ત્યારે અનેક પોલ બહાર આવેલ હતી. જેમાં શાળાના નવીન બનેલ બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન અને ચીફ ઓફિસરની મીલીભગતથી અધૂરું બાંધકામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને પૂરેપૂરું બિલ ચૂકવી દેતાં મોટું કૌભાડ બહાર આવ્યું હોવાનું જણાંતાં પાદરા નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 15 જુલાઈ 2021ના રોજ નોટિસ આપવામાં આવી હતી.

પાદરા નગર પાલિકા દ્વારા સંચાલિત ચોકસી કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં વરસાદી પાણીના નિકાલની પાઇપ લાઇન નાખવાનું કામ, શાળાના વોટર રૂમનું કામ બાકી છે તે પૂર્ણ કરવું, ગટરની ચેમ્બરો બનાવી કામ પૂરું કરવું, લાઈટ ફિટિંગનું કામ પૂરું કરવું, કલર કામનો બીજા હાથનું કલર કામ બીજો હાથ મારી કામ પૂરું કરવું, શાળાના વચ્ચેના ભાગમાં માટી પુરાણનું કામ માટી પુરાણ કરી કામ પૂર્ણ કરવાની નોટિસ અપાતાં પાદરા નગરપાલિકામાં અગાઉ સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવતાં નગરપાલિકામાં દોડધામ મચી હતી.

24 જૂન 2021ના રોજ પણ અગાઉ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કામ પૂર્ણ કરવા નોટિસ અપાઇ હતી. આ બંને નોટિસો ઉપરથી સાબિત થાય છે કે આ નવીન બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ., ભરૂચ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન અને ચીફ ઓફિસરની મીલીભગતથી ગેરરીતિ આચરીને સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ તેમજ છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઉચાપત કરાઇ છે.

આમ, સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ.ને બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા નોટિસ અપાતાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટ થતાં પાદરાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા લોકમાગ ઉઠવા પામી હતી.

કોન્ટ્રાક્ટરે શાળાનો સામાન બારોબાર વેચી પાલિકાને નુકસાન કર્યું છે
સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ. દ્વારા ચોકસી કે. કે ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની બેંચિસો, બ્લેક બોર્ડ, તેમ શાળાની ડેડ સ્ટોક પ્રમાણે શાળાનો સામાન, કોમ્પ્યૂટર કીબોર્ડ, સીસીટીવી કેમેરા વગેરે બારોબાર વેચી મારી, પાદરા નગરપાલિકાને આર્થિક નુકસાન કરેલ છે. આથી સદર સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ. સામે ફોઝદારી રાહે કાર્યવાહી કરવા તેમજ FIR નોંધાવવા રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર કૌભાંડ પર પડદો પાડી દેવા મીટિંગોનો દોર શરૂ થયો
ચોક્સી કે. કે ગર્લ્સ હાઇસ્કૂલનું બાધકામ ગુણવત્તા સભર કરેલ નથી. તે અંગે ગુજરાત તકેદારી આયોગ દ્વારા હજુ તપાસ ચાલુ છે. સર્વ મંગલમ્ કન્સ્ટ્રકશન કુ.નું બિલ કે ડિપોઝિટ ના આપવા રજૂઆત કરાઇ હતી. તેમજ ફોજદારી કાર્યવાહી કરવા માગણી કરતાં પાદરા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને તેમના મળતીયાઓ દોડધામ મચી ગઈ હતી અને શાળામાં પણ હડકંપ મચી ગયો હતો. તેમજ કોન્ટ્રાકટર અને ચીફ ઓફિસર, કંસ્ટલન્ટ, એન્જિનિયર દ્વારા સમગ્ર કૌભાંડ ઉપર પડદો પાડી દેવા બુધવારે પાદરા નગરપાલિકામાં મીટિંગોનો દોર શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...