તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પાદરા-વડુમાં મેઘરાજા મહેર નહીં કરે તો ખેતી માટે સંકટના એંધાણ

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદ નહિ વરસતા પંથકમાં ખેતી કરેલો પાક સુકાઈ રહ્યો છે. - Divya Bhaskar
વરસાદ નહિ વરસતા પંથકમાં ખેતી કરેલો પાક સુકાઈ રહ્યો છે.
  • કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં લોકોના બજેટ ખોરવાઇ જશે
  • ખેત પેદાશો પર વરસાદ ખેંચાતા સંકટના વાદળો, મોલ મુરઝાવાનું શરૂ

પાદરા- વડુ પંથકમાં મેઘરાજા મહેર નહિ વરસાવે તો વિકટ પરિસ્થિતિના એંધાણ સર્જાશે તેવી ભીતિ સેવાઇ રહી છે. સતત બે વર્ષે ચાલુ સાલે જેઠમાં શુકનવંતી પધરામણી કરતાં સતત ત્રીજા વર્ષે સારા ચોમાસાની જાગેલી આશા ફળીભૂત થઈ નથી. વરસાદ ખેંચાતાં તાલુકામાં હવે મહત્તમ વાવેતર નિષ્ફળ જવાના આરે છે. હજુ મેઘરાજા નહિ વરસે તો જગતના તાત એવા ધરતીપુત્રોને માથે હાથ દઈ રોવાનો વારો આવશે. આ વિસ્તારના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવેલ કે ખેતીવાડી પેદાશો પર વરસાદ ખેંચાતા સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મોલ મુરઝાવા લાગ્યો છે.

વળી વન વગડામાં ઉગેલા ઘાસ સુકાવા લાગતા ખેડૂતોની સાથે માલધારી વર્ગની ચિંતામાં અનેક ગણો વધારો થયો છે. એક તરફ વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યો છે તો બીજી તરફ મોંઘી દવાનો છંટકાવ કરવા છતાં જીવાતનો ઉપદ્રવ વધતાં બેવડો માર ખમવાનો વારો આવી રહ્યો છે. એક માસથી વધુનો સમય વિતી ચુક્યો હોવા છતાં તાલુકામાં સામાન્ય છાંટાને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ નહિ વરસતા તળાવો પણ ભરાયા નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો વીજ બિલમાં રાહત, ડીઝલમાં સબસીડી આપવા સહિતની માગણી કરી રહ્યા છે.

પાદરા તાલુકાનો ખેતીવાડી વિસ્તાર તથા પશુપાલન વિસ્તાર સારા વરસાદની શરૂઆતનો ધરતીપુત્રોએ સારુ ચોમાસુ થવાની આશાએ પોતાના ખેતીવાડીના કામમાં ચોમાસુ પાક જેવા કપાસ, મગફળી, જુવાર, તુવેર જેવા વિવિધ પ્રમાણમાં વાવેતર કરી ચૂક્યા છે. વાવેતર કરાયેલ પાકને આવશ્યક બીજા વરસાદનો રાઉન્ડ નહિ આવતા મોલ સુકાવા લાગ્યા છે. વરસાદના અભાવે ઘાસચારો જેવા પશુ સદરના ભાવોમાં બેફામ વધારાથી પશુપાલક આર્થિક ભીંસની ચિંતામાં મુકાયા છે.

જ્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓ તેલ, ખાંડ, મગ, ચણા દાળ, વિવિધ કઠોળ જેવા ધાન્યમાં ભાવ વધારો ઉપરાંત ગેસ, પેટ્રોલ, ડીઝલના પણ ઉતરોતર વધતા ભાવથી સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગ માટે બજેટ ખોરવાતાં આર્થિક મુશ્કેલી સર્જાઇ છે. હવે ચાલુ સપ્તાહમાં વરસાદ નહિ વરસે તો ખેતીવાડી સહિત આમ જનતા માટે વિકટ પરિસ્થિતિ સર્જાશે.

દરેક કઠોળના ભાવમાં કિલોએ રૂપિયા 10 જેટલો વધારો થયો છે. જેને પગલે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં કોરોનાને કારણે લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે તેની કળ હજી વળી નથી ત્યાં ભાવ વધારો લોકોને દઝાડી રહ્યો છે. હવે કઠોળના ભાવમાં વધારો થતાં અનેક પરિવારોને કઠોળમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...