કાર્યવાહી:પીપળીથી રૂ.3.42 લાખનો વિદેશી દારૂ જપ્ત, બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બોલેરો પિકઅપ ઝડપી પાડી

પાદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની 684 બોટલો સહિત પોલીસે 3ને ઝડપી પાંચ સામે ગુનો નોંધ્યો

વડોદરાથી બોલેરો પિક અપ ગાડીમાં મોડી રાત્રે ઇંગ્લિશ દારૂનો જથ્થો પીપળી ગામે પહોંચવાનો છે તેવી બાતમીના આધારે પાદરા પોલીસે વોચ ગોઠવી પીપળી ગામે છાપો માર્યો હતો. જ્યાં બોલેરો પિક અપ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 516 બોટલો કિંમત રૂપિયા 2,58,000 તેમજ 3 મોબાઈલ 15,000 તથા બાઇક 25,000 મળી કુલ 2,98,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મંગાવેલ દારૂમાં વડોદરાના બૂટલેગર લાલુ સિંધીનું નામ ખુલતાં પોલીસે કુલ પાંચ ઈસમો પ્રદીપસિંહ રાઠોડ, પ્રવીણ પઢિયાર, કિરણસિંહ રાઠોડ, લાલુ સિંધી તેમજ બોલેરો પિકઅપ કારના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જેમાં ત્રણને પાદરા પોલીસે ઝડપી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી. પકડાયેલ ઈસમ પ્રદીપસિંહ રાઠોડની પૂછપરછ કરતાં પીપળી ગામની સીમમાં પોતાના ખેતરમાં ઇંગ્લિશ દારૂનો બીજો જથ્થો સંતાડી રાખેલ હોવાનું જણાવતાં પાદરા પોલીસે બુધવારે ફરી ત્યાં છાપો મારી બોટલો નંગ 168 કિંમત રૂપિયા 84,000ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

જેમાં પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરણી કાર્યવાહી કરી હતી. આમ પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ બોટલો 684 નંગ કિંમત રૂપિયા 3,42,000 તેમજ ત્રણ નંગ મોબાઈલ 15,000 તથા મોટરસાઇકલ 25,000 મળી કુલ 3,82,000નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના કારણે બૂટલેગરમાં ફફડાટ આપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...