દુર્ઘટના:પાદરાના મહુવડ પાસેની વિઝન પ્રોડક્ટ કંપનીમાં ભીષણ આગ

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉન, રો મટિરિયલ, ફિનિશ પ્રોડક્ટ, મશીનરી સહિત આખી કંપની ખાખ : કરોડોનું નુકસાન
  • કંપનીની આજુબાજુમાં રહેતા આશરે 25 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું

પાદરાના મહુવડ ગામની સીમમાં આવેલ વિઝન પ્રોડક્ટ પ્રા.લી. કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી. મોડી રાત્રે લાગેલી આગ સવાર પડતા સુધી કંટ્રોલમાં લાવવા ફાયર ફાઈટર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી.

પાદરાના મહુવડ બોરસદ રોડ પર મહુવડ ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપ સામે આવેલ વિઝન પ્રોડક્ટ પ્રા. લી. કંપનીમાં કોઈ કારણોસર એકાએક લાગી હતી. જે અંગેની ફરિયાદ કંપની એચ.આર તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ પઢિયારે વડુ પોલીસ મથકે નોંધાવેલ છે. સોલ્વન્ટ બેઝ સિન્થેટિક રેઝિન કેમિકલ મટિરિયલ બનાવતી કંપની હોઇ કંપનીમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ગણતરીની મિનિટોમાં આગે કંપનીના ગોડાઉન રો મટિરિયલ, ફિનિશ પ્રોડક્ટ, મશીનરી તથા બેક ઓફિસ મળી આખી કંપનીને આગની લપેટમાં લીધી હતી.

આગના કારણે સ્ટોરેજ કેમિકલ જથ્થામાં બ્લાસ્ટ થતાં હતા. અંદાજિત ~ 70 કરોડનું નુકસાન કંપનીને થયું હોવાનું અનુમાન છે. આગ કાબૂમાં આવી રહી ન હતી જેથી મેજર કોલ જાહેર કરાયો હતો. બનાવની જાણ થતાં વહીવટી તેમજ પોલીસ તંત્ર સહિત પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, મના સરપંચ, તલાટી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કંપનીની આજુબાજુમાં રહેતા 25 લોકોનું સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. મોડી રાતના લાગેલી આગ વહેલી સવારે 12 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી હતી. કોઈ જાનહાનિ ન થતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

મહુવડ વિસ્તારના આશરે 12 ગામોમાં વીજ સપ્લાય બંધ કરાયો
વિઝન કંપનીમાં લાગેલી વિકરાળ આગને પગલે MGVCL દ્વારા મહુવડ વિસ્તારના આશરે 12 જેટલા ગામોમાં વીજ સપ્લાય બંધ રાખવામાં આવ્યો હતો. મોડી રાતે લાગેલી આગથી કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુ 12 જેટલા ગામોમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.

પાદરામાં લાગેલી આગમાં 4000 લિટર ફોર્મ કંપની પાસે મંગાવ્યું
કંપનીમાં મોડી રાત્રે લાગેલી આગને પગલે સ્થાનિક ફાયર બ્રિગેડ ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડ સાથે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર હર્ષવર્ધન પૂવારે જણાવ્યા મુજબ 1000 લિટર ફોર્મનો માળો કર્યા બાદ પણ આગ વધુ હોવાને પગલે કંપની સત્તાધીશો પાસેથી બે વખત 2000 લીટર ફોર્મ મંગાવાયો હતો. અંદાજે 5000 લિટર ફોર્મનો મારો કર્યા બાદ સવારે આઠ વાગે આગ કાબૂમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...