ચૂંટણીનો ધમધમાટ:ડભોઈ તાલુકામાં 73.70, પાદરામાં 73, કરજણમાં 79.26 જ્યારે ડેસરમાં 77.81% મતદાન નોંધાયું

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ મસમોટી લાઈનો લગાવીને મતદારોએ ઉત્સાહ બતાવ્યો

પાદરા તાલુકા 24 ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીમાં ગ્રામ પંચાયત અત્યંત રસાકસી ભરી બની હતી. મુવાલ ગ્રામ પંચાયતમાં બે સરપંચો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. સાથે 10 વોર્ડમાં પણ પ્રતિષ્ઠાને ખરાખરીનો ખેલ ખેલાયો હતો. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં મતદારોએ લોકશાહીના પર્વ અંગે ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યારે સાવલી અને પાદરા તાલુકાના મતદાન મથક પર મારામારીની ઘટનાઓ પણ ઘટવા પામી હતી. જે સીવાયની અન્ય તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદારોએ પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના ગામના વિકાસ માટે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી કરી હતી.

પાદરાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સાંજના 5 સુધીમાં 73 % મતદાન નોંધાયું
પાદરા તાલુકામાં 24 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતાં સરપંચ તેમજ વોર્ડના સભ્યોની યોજાયેલી ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પૂર્ણ થવા પામ્યું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં 73 ટકા મતદાન થવા પામ્યું હતું. જ્યારે મુવાલ ગ્રામ પંચાયત સિવાય તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થતાં વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

પાદરા તાલુકાના 24 ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે 77 ઉમેદવારો તેમજ વોર્ડના સભ્યો માટે 409 ઉમેદવારોએ ચૂંટણી જંગના મેદાનમાં ઝંપલાવ્યું હતું. ખરાખરીના જંગમાં આજે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. તેમાં તમામ 77 પદના ઉમેદવારો 409ના સભ્યોના ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં થયા હતા. ગ્રામ પંચાયતોની આ યોજાયેલી ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની કતારો લાગી હતી.

ડભોઈની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે વિક્રમી મતદાન થયું
ડભોઈ તાલુકાની 83 ગ્રામ પંચાયતોમાંથી 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાયા બાદ 4 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી. જ્યારે 51 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રવિવારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઉત્સાહપૂર્વક વિક્રમજનક મતદાન કર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં 73.70% મતદાન નોંધાયું હતું.

પોતાની પસંદગીના ઉમેદવારને જીતાડવા અને ગામનું સુકાન પોતાના પ્રતિનિધિને અપાવવા મતદારોએ ખુબજ ઉત્સાહ સાથે વિક્રમી મતદાન કર્યું હતું. સવારે 7થી સાંજના 6 સુધી મતદાનનો સમય હોવાથી કેટલીક જગ્યાએ વસ્તીના પ્રમાણમાં બૂથ ઓછા હોવાથી તેમજ બેલેટ પેપર હોવાથી મોડા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. બપોરે 3 સુધી 60.26% મતદાન થયું. પછીના 2 કલાકમાં 13 ટકા મતદાનનો વધારો થતાં સાંજે 5 સુધીમાં 73.70% મતદાન નોંધાયું હતું.

ડેસરની 14 પંચાયતોમાં 77. 81% મતદાન
વાંકાનેડા 86, સાપીયા 78, લીંબડી 81 રાજુપુરા ૬૫, પ્રતાપપુરા 81, છાલીયર 72, સિહોરા 78, મોટી વરણોલી 80, લટવા 87, માણેકલા 88, ઈટવાડ 79, વાવ 87, વાલાવાવ 76, હિંમતપુરા 75, સાંજે 5 વાગ્યા સુધીનું નોંધાયું હતું. જેમાં સૌથી વધુ માણેકલા અને સૌથી ઓછું રાજુપુરાનું મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...