તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:પાદરામાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો હોબાળો, 30ની અટકાયત

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનની શરૂઆત કરી વિરોધ દર્શાવતા 30 કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. - Divya Bhaskar
પાદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનની શરૂઆત કરી વિરોધ દર્શાવતા 30 કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
  • કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળી કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ સાથે દેખાવો યોજાયાં
  • કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાતા લોકોમાં ભાજપ સરકાર સામે રોષ ભભૂક્યો
  • જન ચેતના આંદોલન અંતર્ગત રાજ્યમાં વધતી બેરોજગારી જેવા વિષયો પર ચર્ચા કરી ઠરાવ કરાયો

પાદરા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતિની મોંઘવારી અંતર્ગત જન ચેતના આંદોલનના યોજાયેલ કાર્યક્રમ દરમિયાન પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરના મુખ્ય માર્ગ પર મોંઘવારી સામે મૌન રેલી યોજી વિરોધ દર્શાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, પાદરા ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત પાદરા શહેર તાલુકાના કોંગ્રેસના 30 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બુધવારે પાદરા શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતિના જન ચેતના આંદોલન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારના અધ્યક્ષસ્થાને કચ્છી પટેલની વાડી પાદરા ખાતે વિસ્તૃત કારોબારી સમિતિની કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોની મીટિંગ મળી હતી. પાદરામાં સભાની શરૂઆતમાં કોરોના કાળમાં મૃત્ય પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિસ્તૃત કારોબારી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં ખેડૂતોના દેવા માફ કરવા, મોંઘવારી, કોરોના મહામારીને કારણે અવસાન પામેલા સ્વજનને શ્રદ્ધાંજલિ તથા તેમના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય, રાજ્યમાં વધતી બેરોજગારી જેવા વિષયો પર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાદરા નગરના મુખ્ય માર્ગ પર કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ પ્રદર્શન વિવિધ પ્લે કાર્ડ સાથે નીકળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પાણીની ટાંકી રોડ પરથી વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવતા લોકોમાં ભાજપ સરકાર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જેમાં સમગ્ર દેશ અને રાજ્યમાં ભાજપની સરકારની સરિયામ નિષ્ફળતાઓને પરિણામે સામાન્ય પ્રજાજનો બેરોજગારી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારો તથા આર્થિક મંદી જેવી હાડમારીઓ સહન કરી રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને જીવાતના પરિણામે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તે સંજોગોમાં પ્રજાની વેદનાને વાચા આપવાની અને પ્રજામાં જાગૃતિ ફેલાવાની આપણી ફરજ છે. દેશની પ્રજા વર્તમાન ભાજપ સરકારના શાશનને પરિણામે ઉભી થયેલી સમસ્યાઓથી ત્રસ્ત છે.

આપણું અર્થતંત્ર દિન પ્રતિદિન મંદીમાં ધકેલાઈ રહ્યું છે. અને રોજગારીનું સર્જન થયું નથી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સંદર્ભમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર પક્ષના કાર્યકરો દ્વારા સૌથી વધારે વિક્રમજનક બેરોજગારી દર અભૂતપૂર્વ આર્થિક મંદી, જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, ખેડૂતોની હાલાકીઓ, સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારીમાં ધરખમ ઘટાડો જેવા મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉજાગર કરવામાં આવે, પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવે, તેમજ પ્રજાની આવી ભયંકર હાડમારીઓ માટે જવાબદાર એવી ભાજપની અસંવેદનશીલ સરકારને જગાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘરે ઘરે પહોચી પ્રજાને સત્યથી વાકેફ કરવા અનુરોધ કર્યો હતો.

તમામ તાલુકાઓમાં ઉગ્ર વિરોધ દર્શાવતા કાર્યક્રમો કરાશે
ગુજરાતની જનતા જ્યારે સરકાર પાસે રાહતની અપેક્ષા રાખતી હોય ત્યારે રાહતના બદલે મોત મળે છે અને ઉપરથી જનતાને સરકારની મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રજામાં એક આક્રોશ દેખાય છે. જેને વાચા આપવામાં માટે આજે જન ચેતના આંદોલન કરવામાં આવી રહ્યા છે. તમામ તાલુકાઓમાં 7થી 17 જુલાઈ સુધી તાલુકા કોંગ્રેસ સમિતિઓની મીટિંગની સાથે સાથે ઉગ્ર વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે. વિરોધને ન સહન કરવાવાળી આ ભાજપા સરકાર પોલીસ અને પ્રશાસનનો દૂર ઉપયોગ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે.>અમિત ચાવડા, પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

પ્રજાને સત્યથી વાકેફ કરવી જરૂરી
જન ચેતના અંદોલનની પાદરા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં આ અંદોલન કરવામાં આવેલ છે. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોની હાજરીમાં મૌન રેલી યોજી મોંઘવારી સામે વિરોધ દર્શાવી પ્રજા પર પડતા મારને સરકાર સામે ઉજાગર કરી પ્રજાને સત્યથી વાકેફ કરવી જરૂરી છે.>જશપાલસિંહ પઢીયાર, ધારાસભ્ય, પાદરા

અન્ય સમાચારો પણ છે...