આવેદનપત્ર:કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ 4 લાખની સહાય ચૂકવવા કોંગ્રેસની માગ

પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું
  • કોંગ્રેસના હોદ્દેદારોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી કોવિડ ન્યાય યાત્રા કાઢી

પાદરા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા કાઢીને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોનાના મૃતક પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તેવી માંગ સાથે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. દરમ્યાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો,પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સહિત કોંગ્રેસના હોદ્દેદાર - કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાદરા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરામાં કોવિડ ન્યાય યાત્રા કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના જી.ઈ.બી પાસે પાદરાના કોંગ્રેસના હોદ્દેદારો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી કોવિડ ન્યાય યાત્રા કાઢી ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચી પાદરા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

હાલના ગુનાહિત સમયમાં કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઓક્સિજન, વગેરેના અભાવે 3 લાખથી વધુના મોત થતા ખાનગી સારવારમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. લોકોને આર્થિક રીતે પાયમાલ થવાનો સામનો કરવો પડ્યો હતો. પશુ અને મનુષ્ય માટે 50 હજાર વળતરની એક સમાન ધારાધોરણ જાહેર કરી ભાજપા સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે.

મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે. એકબાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલા મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર પુરાવા તપાસી મરણ પ્રમાણપત્ર સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવતી નથી. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે.

આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવિડ-19 ન્યાય પત્રની 4 માંગણીઓ જેવી કે (1) કોવિડ -19થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા 4 લાખનું વળતર (2) કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલ્સની રકમની ચુકવણી (3) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ (4) કોવિડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ કરી હતી.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત સહાયના 4 લાખ રૂપિયા ચૂકવવા પૈસા નથી. પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન, હેલિકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા 4 લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...