ઘટસ્ફોટ:પાદરાના ધો.9ના વિદ્યાર્થીનું ચોરી છૂપાવવા અપહરણ-હત્યાનું તરકટ

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને અવળે પાટે ચઢાવવા મનઘડંત વાતો ઉપજાવી હતી

પાદરામાં આવેલી જાણીતી હાઇસ્કૂલના વિદ્યાર્થીનું બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરી જઇ કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારે કરતાં સનસનાટી મચી ગઇ હતી. જોકે મામાના ઘેર કરેલી ચોરીની વાત છુપવાવા અપહરણ અને હત્યાની વાત ઉપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાદરા ની જાણીતી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને નગરના છેવાડે પાતળીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલા વિદ્યાર્થીએ બચવા માટે ચીસો પાડી હતી. જે સાંભળી કેનાલ પાસે ખેતરમાં કામ કરતો ખેડૂત આવી પહોંચ્યો હતો. અને પાણીમાં ડૂબી રહેલા વિદ્યાર્થીને દોરડું નાંખી બચાવી લીધો હતો. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા.

તે સાથે વિદ્યાર્થીના મિત્રો અને ફળિયામાં રહેતા લોકો તેમજ પાદરા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પરિવારે આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ પરિવારજનોએ કરી હતી. પાદરા પોલીસ મથકના પી.આઇ. કે. જે. ઝાલાએ કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેવાયેલા વિદ્યાર્થીએ આ બનાવ સંદર્ભમાં અનેક પ્રકારની જૂઠી કેફિયત રજૂ કરતાં પોલીસે તપાસ આદરી હતી. કલાકો સુધી પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વિદ્યાર્થીએ અલગ અલગ જાતની કેફિયત રજૂ કરી કલાકો સુધી બધાને દોડાવ્યા હતા. આખરે પોલીસની આગવી પુછપરછમાં તેણે વટાણા વેરી નાંખ્યા હતા. મામાના દીકરાના ઘરે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે વિદ્યાર્થીની આકરી પૂછપરછ કરતાં તે રડી પડ્યો હતો અને કબૂલ્યું હતું કે અગાઉ મેં મારા મામાના દીકરાને ત્યાં ચોરી કરી હતી. જે સંદર્ભે પોલીસ તપાસ માટે આવતી હતી. આ ચોરી પકડાઈ જવાના બીકે અને ચોરી છુપાવવાના ઇરાદે મેં આ કાવતરું રચ્યું હતું.

મોજશોખ પૂરા કરવા જ ચોરી કરી હતી
વિદ્યાર્થીઓ હવે વેબ પોર્ટલ પર વેબ સિરીઝો તેમજ અન્ય વીડિયો જોઈને ક્યાં સુધી પહોંચે છે? તેનું ઉદાહરણ આ વિદ્યાર્થી છે. અન્ય 2 મદદ કરનાર મિત્રોને મામાના ઘરે પૈસા પડ્યા છે તે પૈસા આપણે લઈ લઈએ અને મોજ કરીશું તેમ જણાવી ત્રણેએ નાસ્તો કર્યો હતો. રૂપિયા 12,000 રોકડા અને સોનાની ચેનની ચોરી કરી હતી. તેમાંથી ત્રણેય મિત્રોએ 6000 રૂપિયા ખર્ચી મોજ શોખ કર્યો હતો. પોલીસે બાકીના 6000 રૂપિયા રિકવર કર્યા હતા. ચેન સંદર્ભે હજુ પૂછપરછ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...